રાજકોટઃ રાજકોટના સ્પેશ્યિલ હોમ ફોર બોયઝમાં રહેતા ૧૮ વર્ષના અનાથ યુવાનને જામનગરના બ્રાસપાર્ટના અગ્રણી ઉદ્યોગપતિએ દત્તક લઈ સમાજને નવો રાહ ચિંધ્યો હતો. ગુજરાતમાં મોટી ઉંમરના યુવાનને દત્તક લીધો હોવાની આ પ્રથમ ઘટના છે.
રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કનકસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, રાજકોટના સ્પેશ્યલ હોમ ફોર બોયઝમાં રહેતા અનાથ રાહુલ રમેશભાઈ પંચાલ વર્ષ ૨૦૦૩માં સુરેન્દ્રનગરથી રાજકોટ લાવવામાં આવ્યો હતો અને અહીં તેમણે ધોરણ ૮ સુધી અભ્યાસ કર્યા બાદ આઇટીઆઇમાં વાયરમેનનો અભ્યાસ કર્યો હતો. રાહુલને તાજેતરમાં ૧૮ વર્ષ પૂર્ણ થતાં હોય તેને સ્ટેટ હોમમાં જવાનું હતું. આ દરમિયાન મૂળ મોરકંડાના અને અત્યારે જામનગર ખાતે રહેતા નિઃસંતાન ઉદ્યોગપતિ માવજીભાઈ લાલજીભાઈ કંટેચિયા અને તેમનાં પત્ની રમાબેને વડોદરાના સમાજસેવી સુરેશભાઈ શાહની પ્રેરણાથી રાહુલને પુત્ર તરીકે દત્તક લેવાનો નિર્ણય કર્યો હતો. આ દંપીએ જણાવ્યું હતું કે,
આ માટેનો કાર્યક્રમ સ્પેશ્યિલ હોમ ફોર બોયઝ ખાતે યોજાયો હતો ત્યારે તેમાં ભારે લાગણીસભર દૃશ્યો સર્જાયા હતા. અનાથ રાહુલને દત્તક લેનાર દંપતી માવજીભાઈ અને તેમના પત્ની રમાબહેને જણાવ્યું હતું કે, રાહુલને જોતા જ અમને તેના માટે પુત્ર તરીકેની લાગણી જન્મી હતી અને હવે તેમને બિઝનેસ માટેની તાલીમ આપી ધીમે ધીમે ધંધાની બાગડોર તેને સોંપવા માગીએ છીએ. પુત્ર બનનાર રાહુલે પણ તેને જિંદગીની સૌથી મોટી ખુશી મળ્યાનું જણાવ્યું હતું અને એક ઘરમાંથી બીજા ઘરમાં જઈ રહ્યાની લાગણી અનુભવી રહ્યાનું જણાવ્યું હતું.