રાજકોટ:વરસાદે લાંબા સમયથી વિરામ લીધા પછી બાદ ઊના પંથકના ગીરગઢડા અને ગીરના મધ્ય જંગલમાં ૯ સપ્ટેમ્બરે બેથી અઢી ઇંચ વરસાદ પડતા નદીઓ બે કાંઠે વહેવા લાગી હતી. ચોમાસામાં દોઢ મહિના બાદ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ વરસાદના ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, ગીરગઢડા પંથકમાં ધોધમાર વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. હરમડિયામાં અઢી ઈંચ, તુલસીશ્યામમાં બે ઈંચ, ચીખલ મીતણી, વડલીમાં બે ઇંચ, ધોકડવામાં અડધો ઇંચ, રાવકા ડેમ વિસ્તાર જશાધારા અને ચીખલી કૂવામાં ૧ ઈંચ, તથા બાબરિયા, થોરડી, ભાખામાં બે ઈંચ વરસાદ પડતા રસ્તા પર પાણી વહેવા લાગ્યાં હતા. આ ઉપરાંત ઉમેદપુરા-સતવાવમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે હરમડિયામાં પસાર થતી આંગાવાડી નદીમાં પૂર આવ્યું હતું. તેમ જ બાબરિયામાંથી પસાર થતી બાબરિયા નદીમાં પણ પૂર આવ્યું હતું. ઊના તાલુકાના કેશરિયા ગામે જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું. અત્યારે ફાલ્ગુની નક્ષત્ર હોવાથી વરસાદ પડતા ચોમાસુ પાકને ફાયદો થયો હોવાનું ખેડૂતો કહે છે.
રાજકોટમાં ભાજપમાં ૭૨ બેઠક માટે ૧૦૮૦ દાવેદારઃ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવનારી ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી માટે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયા શરૂ થઇ છે. રાજકોટની નવી વોર્ડ રચના મુજબ ૧૮ વોર્ડ માટે દાવેદારોની સ્થિતિ જાણવા પ્રદેશ ભાજપના નવ નેતા આવ્યા હતા. આ માટે મોટી સંખ્યામાં દાવેદારો ભાજપ કાર્યાલયે ઉમટ્યા હતા. રાજકોટમાં એક વોર્ડમાં ચાર ઉમેદવારોની ગણતરીએ ૭૨ સીટ માટે ૧૦૮૦થી વધુ લોકોએ દાવેદારી નોંધાવતા પ્રદેશના નેતાઓ પણ મુંઝવણમાં મુકાયા છે.
પ્રેમમાં અવરોધરૂપ ભાઈની બેન દ્વારા હત્યાઃ રક્ષાબંધને જે બહેને ભાઇને રાખડી બાંધી હતી તે બહેને જ ભાઈની ક્રુરતાપૂર્વક હત્યા કરતાં અમરેલીમાં ચકચાર મચી છે. અમરેલીમાં રહેતા વકીલના એકના એક પુત્રની સગી બહેને જ આંખે પાટા બાંધીને રમત રમવાને બહાને હત્યા કરતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. પ્રેમમાં આડખીલીરૂપ બનેલા ભાઇની બહેને છાતી અને ગળામાં છરી મારીને હત્યા કરી હતી. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. અમરેલીમાં ચિત્તલ રોડ પરની આસોપાલવ સોસાયટીમાં રહેતા વકીલ અને નોટરીનું કામ કરતા રમેશભાઈ અરજણભાઈ દાફડાના ૨૩ વર્ષીય પુત્ર સિદ્ધાર્થની તેના ઘરમાં જ હત્યા થઈ હતી. સાંજના સમયે સગીર બહેન અચાનક બહાર આવીને અજાણ્યા શખ્સોએ ભાઈને હત્યા કરી હોવાની બૂમાબૂમ કરતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. જાણ થતાં પહોંચેલી પોલીસને લોહીમાં લથબથ હાલતમાં સિદ્ધાર્થની લાશ મળી હતી. પોલીસે તપાસ શરૂ કરતા મૃતક સિદ્ધાર્થની બહેનને પડોશમાં રહેતા ભાજપના આગેવાનના પુત્ર સાથે પ્રેમસંબંધ હોવાની જાણ થઈ હતી. શંકામાં રહેલી સગીર બહેનને પોલીસ સ્ટેશન લઈ જઈને પૂછપરછ કરતા થોડા સમય બાદ તેણે ગુનો કબૂલી લીધો હતો.