તાલાલા (ગીર)ઃ આધુનિક સમયમાં મોટાભાગના ક્ષેત્રોમાં વૈવિધ્ય આવી રહ્યું છે, તેમ કૃષિ ક્ષેત્રે પણ નવા સંશોધનો થઇ રહ્યા છે. એક ખેડૂતે એક જ આંબામાં આઠ પ્રકારની કેરી ઊગાડીને સહુને અચરજ પમાડી છે. શહેરી વિસ્તારમાં નાની જગ્યામાં આંબાનું એક વૃક્ષ ઉગાડીને તેમાં દરેક ડાળીએ જુદાજુદા સ્વાદની કેરી મેળવી તેને માણી શકાય તેવી શોધ તાલાલા તાલુકાના ભાલછેલ ગામના ખેડૂતે કરી છે. સમસુદીનભાઈ નુરઅલીભાઈ જારીયાએ પ્રયોગ કરીને બે આંબામાં વિવિધ ૧૬ જાતની કેરીનું વ્યવસાયી તરીકે સફળ ઉત્પાદન મેળવી હવે બીજા આવા છોડ તૈયાર કરી રહ્યા છે. ગીરની મુલાકાતે આવતા પ્રવાસીઓ પણ આ પ્રકારના આંબા જોઈને નવાઇ પામે છે. કેરીનું ઉત્પાદન આ વર્ષે ઘટી ગયું છે. તેની અસર આ વેરાઈટીને પણ થઈ છે.
કઈ રીતે આ શક્ય બન્યું?
જે આંબાની કેરી હોય તે ગોટલી જમીનમાં રોપીને છોડ તૈયાર કરવામાં આવે છે. પછી તેને જે આંબાની જાત ઉગાડવી હોય તેની ડાળી સાથે આ છોડની ડાળી છોલીને તેની સાથે બાંધી દે છે, જેને કલમ કહેવાય છે. એક જ છોડની જુદીજુદી ડાળી સાથે બીજા આંબાની ડાળીને આ રીતે કલમ કરવામાં આવે છે. બે આંબા પર ૧૬ જાતની કેરીનો પાંચ વર્ષ પહેલા પ્રયોગ કર્યો હતો. બંને આંબામાં અલગ ટેસ્ટ સ્વાદની કેરી આવે છે. આંબાની ઉંચાઈ ૧૪ ફુટ છે. ત્રણ વર્ષથી કેરી આવે છે. ૮૦ જાતની કેરી એક ખેતરમાં ફાર્મમાં જોવા મળે છે. આટલા મોટા પ્રમાણમાં આંબાની જાતો મળતી હોય તેવી આ એક માત્ર જગ્યા ગીરમાં છે. એક જ આંબામાં આઠ પ્રકારની કેરી જેમાં અમૃતાંત, કેપ્ટન, જમરુખિયો, નિલેશાન, અરુનિકા, આફુસ, કાજુ, વસ્ત્રા કેરી જોવા મળે છે.