જામનગરની કબીર આશ્રમ સેવા સંસ્થામાં સાત વર્ષથી નિવાસ કરતા ૩૮ વર્ષીય સ્વામી રામેશ્વરદાસજી જામનગરઃ શાસ્ત્રી ૧૮ ડિસેમ્બરની રાત્રિથી લાપતા થયા છે. તેઓ ૧૮મી ડિસેમ્બરે કબીર આશ્રમથી સફેદ રંગની કારમાં બેસીને બહાર નીકળ્યા હતા એ પછી તેમની કોઈ જાણકારી મળવા પામી નથી. આ અંગે આશ્રમના ટ્રસ્ટી ધરમશીભાઈ સામાણીએ ઔપચારિક વાતચીતમાં માત્ર એટલી જાણકારી આપી હતી કે, મહંત ભેદી સંજોગોમાં લાપતા થયા છે. છ માસ પૂર્વે ગાદિપતિ જગદીશદાસનું નિધન થયા બાદ કબીર આશ્રમની ગાદી પર કાશીના વતની તથા કાશીમાં વહીવટી કાર્ય સંભાળતા રામેશ્વર દાસને મહંતની ગાદી સોંપવામાં આવી હતી. આ મામલો પોલીસ સુધી પહોંચતા પોલીસે તપાસ આદરી છે અને તેઓની કોલ ડિટેઈલ કઢાવવા માટે પોલીસ દ્વારા પ્રયત્નો હાથ ધરાયા છે. છ માસ અગાઉ પણ મહંત આવી જ રીતે બહાર ગયા હતા અને કાર્ય પૂર્ણ કરી પુનઃ આશ્રમ પહોંચ્યા હતા તેથી એક શંકા એવી પણ છે કે આ વખતે પણ તેઓ કોઈ કામના કારણે બહાર ગયા હોય અને કાર્ય પૂર્ણ કરી આશ્રમ પરત ફરે.