જૂનાગઢઃ ખેડૂતોના જ્ઞાન વર્ધન માટે જૂનાગઢમાં ભારતની પ્રથમ કૃષિ એફ. એમ. રેડિયો સેવા શરૂ થઇ છે. કૃષિપ્રધાન દેશમાં કૃષિના જ્ઞાન માટે એફ.એમ. રેડિયો શરૂ કરનાર જૂનાગઢ કૃષિ. યુનિ. દેશમાં પ્રથમ છે તેમ કેન્દ્રીય પ્રધાન મોહનભાઈ કુંડારિયાએ ૨૪ જૂને સેવાનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું.
યુનિવર્સિટીના એફ.એમ. રેડિયો ‘જૂનાગઢ જનવાણી ૯૧.૨’નો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચનાથી થયો હતો. કુંડારિયાએ જણાવ્યું હતું કે દેશમાં ૧૯૨ એફ.એમ. સ્ટેશન છે તેમાં કૃષિજ્ઞાન માટે જૂનાગઢ કૃષિ યુનિ. દેશની પ્રથમ કૃષિ. યુનિ. છે જેણે કોમ્યુનિટી એફ.એમ. રેડિયો શરૂ કર્યો છે. આ ઉપરાંત ગૌ મિશનના ભાગરૂપે ગુજરાતમાં બે નવા ગાય સંવર્ધન કેન્દ્ર શરૂ થશે. તેમાં ગુજરાતમાં કાંકરેજી ગાય અને જૂનાગઢ જિલ્લામાં ગીર ગાયનું સંવર્ધન કેન્દ્ર બનશે. ઉપરાંત સૌરાષ્ટ્રમાં કોકોનટના રાષ્ટ્રીય બોર્ડની બ્રાંચ ન હતી, તેથી જૂનાગઢ જિલ્લામાં આ શાળા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.