ખંભાળિયા શહેરને પીવાનું પાણી પૂરું પાડતો ઘી ડેમ અત્યારે ડેડવોટર લેવલે હોવાથી શહેરમાં વિતરિત થતું પાણી ડહોળું આવતું હોવાની ફરિયાદો ઊઠી છે. શહેર માટે હવે નર્મદાના નીર એકમાત્ર આધાર હોવાથી આ અંગે પગલાં લેવા નગરપાલિકા સદસ્ય જેમિનીબહેન મોટાણીએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે. ખંભાળિયા શહેર અને આજુબાજુના વિસ્તાર માટે પીવા અને સિંચાઈ માટે ઘી ડેમ મહત્ત્વનો જળસ્ત્રોત છે. વીસ ફૂટનો આ ડેમ હવે તળિયાઝાટક થઈ ગયો છે. તેને કારણે શહેરમાં ડહોળું અને દુર્ગંધ મારતું પાણી મળી રહ્યું છે.
જામનગરની ભાવિ જરૂરિયાતો સંતોષાશેઃ જામનગર મહાપાલિકા દ્વારા ૩૦ મેએ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલના હસ્તે રૂ. ૧૧૨.૬૮ કરોડના વિકાસકામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત થયું હતું. આ પ્રસંગે તેમણે જામનગરના વિકાસની ભાવિ જરૂરિયાત સંતોષવા નાણાંકીય સહાયની ખાતરી ઉચ્ચારી હતી. પાણી પ્રશ્ને કોંગ્રેસના વલણની કડક ટીકા કરી તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધી પાણીનો પ્રશ્ન વણસવા દીધો નથી અને રાજ્યમાં આવી સ્થિતિ સર્જાય નહીં તેમાટે સરકાર સજાગ છે. તંત્રને પણ એ માટે સૂચના અપાઈ છે.