રાજકોટઃ ત્રણ એન્કાઉન્ટર કરીને રાજકોટ પોલીસ તંત્રમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા બનેલા એએસઆઇ યંતિદેવસિંહ ઝાલા પર ૨૭ જૂને રાત્રે છ રાઉન્ડ ફાયરિંગ થયું હતું. રાજકોટની માધાપર ચોકડી પાસે નિવૃત્ત ડિવાયએસપીના પુત્ર અજયસિંહ પ્રતિપાલસિંહ ઝાલાએ આ ફાયરિંગ કરતા ખળભળાટ મચ્યો હતો. ઘવાયેલા યંતિદેવસિંહને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે આરોપીને પોલીસે પકડી લીધો હતો.
વિનોદ જોશીને સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કારઃ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા દર વર્ષે ગુજરાતી ભાષાના એક સર્જકને તેના સમગ્ર સર્જનને ધ્યાને રાખી ‘ગૌરવ પુરસ્કાર’ અપાય છે. જે અંતર્ગત વર્ષ ૨૦૧૫નો આ ગૌરવ પુરસ્કાર કવિ વિનોદ જોશીને એનાયત થશે. આધુનિક ગુજરાતી ગીત અને કવિતાઓમાં વિનોદ જોશીએ ગીતને એક નવી ઓળખ આપી છે. તેમણે કવિતાને નવો લય અને નવા અર્થો આપીને તેમને વધુ લોકપ્રિય બનાવ્યા છે. રમેશ પારેખ અને હરિન્દ્ર દવે પછી ગુજરાતી ગીત અને કાવ્યને લોકકંઠે લઈ જવામાં વિનોદ જોશીનું પ્રદાન મહત્વનુંનું રહ્યું છે. જાણીતા શબ્દોનો સુક્ષ્મ અર્થ, ભાવ, ભાષા અને લયનું સાહજિક સૌંદર્ય એ એમના ગીતોની ઓળખ છે. તેમણે વિવેચન અને સંશોધન ક્ષેત્રે પણ અગત્યનું પ્રદાન કર્યું છે. સાહિત્ય અકાદમી દ્વારા એક જાહેર કાર્યક્રમમાં તેમને રૂ. એક લાખનો રોકડ પુરસ્કાર અને સન્માનપત્ર એનાયત કરાશે.
પૂરથી બચવા ૪૦ સિંહ ૪૦ કિ.મી. દૂર પહોંચ્યાઃ અમરેલી જિલ્લામાં પડેલા અતિ ભારે વરસાદને કારણે શેત્રુંજી નદીમાં ઘોડાપૂરથી તારાજી સર્જાઇ છે. આ સ્થિતિમાં લીલીયાના ક્રાંકચ ગીર વિસ્તારમાં વસતા ૪૦ જેટલા સિંહ જીવ બચાવવા ૪૦ કિ.મી. દૂર પાલીતાણા તરફ ડુંગરાળ વિસ્તારમાં હીજરત કરી ગયા છે. જોકે, તણાઈ જવાથી ઘણા સિંહ મૃત્યુ પામ્યા છે. ક્રાંકચ ગીરના જંગલ અને રેવન્યુ વિસ્તારમાં ૪૦ જેટલા સિંહ, સિંહણ, સિંહબાળ ઉપરાંત અનેક વન્યજીવો વસવાટ કરે છે. અહીં અવારનવાર આગ લાગવાથી જીવ બચાવા સલામત સ્થળે ખસી જવા સિંહ પરિવાર ટેવાયા છે. આથી બગસરા સહિતના ઉપરવાસમાં ૨૦-૩૦ ઈંચ જેવા પ્રચંડ વરસાદના કારણે શેત્રુંજી નદીમાં આવેલા ઘોડાપૂરમાં ધસમસતા ત્રણથી પાંચ ફૂટ પાણી ક્રાંકચ ગીર વિસ્તારમાં ફરી વળતાં જળબંબાકાર સર્જાયો હતો. આવી ગંભીર પરિસ્થિતિમાં સાવજ સમયસૂચકતા અને સૂઝબૂઝથી પાલીતાણા તરફ ૪૦ કિ.મી. દૂર ડુંગર વિસ્તારમાં સલામત સ્થળે પહોંચી ગયાનું વનતંત્રનું કહે છે.