રાજકોટ: ૧૬મી માર્ચે રાજકોટ કલેકટર કચેરીએ આઠ ગૌ ભક્તોએ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માગ સાથે ૨૪ કલાકના આપેલા અલ્ટીમેટમ બાદ સૂત્રોચ્ચાર સાથે મોનોકોટો નામની ઝેરી દવા ગટગટાવી જતાં પોલીસે તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. હોસ્પિટલમાં ૩૫ વર્ષીય ગભરુ ઉર્ફે હિન્દા માંડા લાબરીયાનું મૃત્યુ નીપજ્યું હતું. મોરબીના રહેવાસી દિનેશ રામજી લોરીયા અને જામનગરના રહેવાસી રઘુવીરસિંહ જાડેજાની તબિયત ગંભીર જણાતા બંનેને રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, એ પછીથી અન્ય પાંચની પણ તબિયત લથડતાં તેમને પણ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ગૌ રક્ષા એકતા સમિતિના નેજા તળે ચાલી રહેલી લડતમાં જે ગૌ ભક્તોએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી તેનાં નામ અમર ભીખાભાઈ દાણીધારીયા, રઘવીરસિંહ બહાદુરસિંહ જાડેજા, વિજય કરમણ સિંધવ, કમલેશ માંડણભાઈ રબારી, દિનેશ રામજી લોરીયા, રામજી લોરીયા વાલા કરમણ મારૂ, ગભરૂ ઉર્ફે હિન્દા માંડા લાબરીયાનો સમાવેશ થાય છે. આ પૈકી ગભરુ હિન્દા લાબરીયાનું મોત થયું હતું. જ્યારે અન્ય સાતની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. હિન્દા વિશ્વ ગૌવંશ રક્ષા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાની વિગતો છે. આ ગૌ ભક્તોએ આવેદન આપીને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માગ કરી હતી અને જો આમ નહિ થાય તો ઝેરી દવા પી બલિદાન આપી દઈશું તેવી ચિમકી તંત્રને આપી હતી. ગૌ ભકતોએ ૧૬મી માર્ચે કલેકટર કચેરીએ પહોંચીને ગાયમાતાને બચાવો, હિન્દુ ધર્મ બચાવો જેવા સૂત્રોચ્ચાર શરૂ કર્યાં હતાં. તેમાંથી આઠ જણાએ અચાનક પાણીની બોટલો સાથે મોનોકોટો નામની કપાસમાં છાંટવાની અતિઝેરી દવા ગટગટાવી હતી અને ત્યાં જ ઢળી પડતાં દોડધામ થઈ પડી હતી. પોલીસે તાકીદે ૧૦૮ બોલાવીને બધાને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. ગૌ ભક્તોએ ઝેરી દવા પી લીધાના બનાવના સમાચારો વાયુવેગે પ્રસરી જતાં ગૌ પ્રેમીઓના ટોળાં સિવિલ હોસ્પિટલ ખાતે એકત્ર થઈ ગયા હતા. ગૌ ભક્તોએ ટોળા સાથે હોસ્પિટલ ચોક, માધાપર ચોકડી, માલધારી ફાટક, ગોંડલ રોડ ચોકડી ખાતે ચક્કાજામનો પ્રયાસ કર્યો હતો. રસ્તા રોકી રહેલા ૧૮ ગૌ ભક્તોની હોસ્પિટલ ચોક ખાતેથી પોલીસે અટકાયત કરી હતી. ગૌ રક્ષા એકતા સમિતિએ ૧૮મીએ (આજે) ગુજરાત બંધનું એલાન આપ્યું છે અને તેમાં સંતો મહંતો પણ જોડાઈ રહયા છે.