જૂનાગઢઃ જિલ્લા વહીવટી તંત્ર તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સાતમી ફેબ્રુઆરીએ ભવનાથ તળેટી ખાતે ૯મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ૧૧ રાજ્યમાંથી ૩૮૧ સ્પર્ધકોએ નામ નોંધાવ્યા હતા અને ૨૯૨ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સવારે સાત વાગ્યે પ્રથમ ભાઈઓની ટૂકડીને સ્પર્ધા માટે રવાના કરાઈ હતી. બાદમાં બહેનોની ટૂકડીને મોકલાઈ હતી.
ભાઈઓ માટે અંબાજી સુધીના પાંચ હજાર પગથિયા તથા બહેનો માટે માળી પરબ સુધીના ૨૨૦૦ પગથિયા સુધી યોજાયેલી આ કપરી સ્પર્ધામાં સિનિયર બોયઝ વિભાગમાં ઉના તાલુકાના કાળપાણના હરિ ગોવિંદભાઈ મજીઠિયાએ ૫૮.૦૩ મિનિટમાં લક્ષ્યાંક પાર કર્યો હતો જ્યારે જૂનિયર બોયઝમાં હરિયાણાના સુરેન્દ્ર મહેન્દરસિંઘે ૬૦.૩૬ મિનિટમાં સ્પર્ધા પૂરી કરીને પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. સિનિયર ગર્લ્સમાં મોટા ડેસરની પૂનમ સોલંકીએ ૩૭.૩૧ મિનિટમાં ૨૨૦૦ પગથિયા ચડી-ઉતરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જ્યારે જૂનિયર ગર્લ્સમાં રાજકોટની શ્રદ્ધા કથીરિયાએ ૪૦.૩૩ મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરી હતી.