લંડનવાસી દ્વારા જામનગરમાં બાળ ભોજનઃ લંડનવાસી દીપકભાઇ દાવડાના આર્થિક સહયોગથી જામનગરની જાણીતી સેવા સંસ્થા-આણદાબાવા આશ્રમના બાળકોને ઢોંસાનું સાંધ્ય જમણ કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે જામનગર લોહાણા મહિલા મંડળનાં પ્રમુખ જયોતિબેન માધવાણી, ઉપપ્રમુખ દમુબેન પાબારી વગેરે પદાધિકારીઓએ સ્વહસ્તે બાળકોને ભોજન પીરસ્યું હતું.
જલારામ મંદિર-ગ્રીનફર્ડ દ્વારા માધવપુરમાં દંતયજ્ઞઃ શ્રી જલારામ મંદિર ગ્રીનફર્ડ (યુ.કે.) દ્વારા ૨૯ જાન્યુઆરીએ માધવપુર (ઘેડ) ખાતે ‘મફત દંતચિકિત્સા’ કેમ્પનું આયોજન થયું છે, તેવું ડીવાઇન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડો. જયસુખભાઇ મકવાણાએ એક યાદીમાં જણાવ્યું છે.
માળિયા-મિયાણામાં ભૂકંપ પછી પણ કોઇ મદદ નહીંઃમાળિયા-મિયાણાઃ ૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ ગુજરાતમાં આવેલા વિનાશક ભૂંકપથી રાજકોટ જિલ્લાના માળિયા મિયાણા પંથકમાં ૧૪૩ લોકોના મોત થયા હતા. બહારની સ્વયંસેવી સંસ્થાઓએ પણ પક્ષપાતની નીતિ અપનાવી હોય તેમ આ તાલુકાના ૪૬ ગામોમાંથી બે-ત્રણ ગામો દત્તક લીધા હતા અને રાજ્ય સરકારની મકાન સહાય યોજનામાં પણ આશરે ૭૫૦ ગરીબ અસરગ્રસ્ત પરિવારો સહાયથી વંચિત રહેતાં માળિયા શહેરના આગેવાનો દ્વારા કલેક્ટર કચેરીએ આંદોલન થયું હતું. પરંતુ તત્કાલીન કલેક્ટરે આશ્વાસનો આપીને ઉપવાસ આંદોલન સમેટાવી દીધું હતું. પરંતુ આ ગરીબ પરિવારો આજે પણ આવાસોથી વંચિત છે. માળિયા મિયાણા શહેરનું એકમાત્ર બસ સ્ટેન્ડ જે ધરતીકંપ પહેલાં આશરે ૧૫૦ જેટલી બસોની અવર-જવરથી ધમધમતું હતું તે બસ સ્ટેન્ડ આજે ૧૪ વર્ષ બાદ પણ ખંડેર હાલતમાં છે.