અમદાવાદઃ ગીર અભ્યારણ્યની આજુબાજુ થયેલા ગેરકાયદે બાંધકામો અને તેને લઇને ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો પિટિશન દાખલ થયા બાદ રાજ્ય સરકારે ઇકો સેન્સિટિવ ઝોનની નવી નીતિ જાહેર કરી છે. આ નીતિ મુજબ ગીરના ત્રણ જિલ્લાના ૧૪૧૨ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા અભ્યારણ્યની એક કિલોમીટરની ત્રિજ્યામાં કોઇપણ બાંધકામ થઇ શકશે નહીં. આ વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોને રહેણાંક પૂરતી કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. જો કે નીતિને ભવિષ્યની અસર અપાઇ છે. એટલે કે અત્યારે હયાત બાંધકામોને જે મંજૂરી અપાઇ છે તે રદ્દ નહીં કરાય અને મંજૂરી મળી છે તે પ્રમાણે બાંધકામ કરી શકશે. મંજૂરી સિવાયના ગેરકાયદે બાંધકામો દૂર કરવાના રહેશે.