અમદાવાદઃ ગુજરાતના ગરવા ગિરનારની ગોદમાં આવેલા જંગલમાં વસવાટ કરતા વનરાજો હવે ગુજરાતમાં જ રહેશે. તેઓનું ક્યાંય પણ સ્થળાંતર નહીં થાય. ગીર નેશનલ પાર્કમાંથી મધ્ય પ્રદેશના કુનો-પાલપુર વાઈલ્ડ લાઈફ સેન્ચુરીમાં સિંહોના સ્થળાંતર કરવાની માગણી ઉપર કેન્દ્રિય પર્યાવરણ મંત્રાલયે ઠંડુ પાણી રેડી દેતાં કહ્યું છે કે, આ પ્રક્રિયાને ૨૫ વર્ષથી વધુ સમય લાગી શકે તેમ છે.
લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, ગુજરાતથી મધ્ય પ્રદેશમાં સિંહોનું સ્થળાંતર કરવાની પ્રક્રિયા બહુ લાંબી છે અને આ માટે ૨૫ વર્ષથી વધુ સમય લાગી શકે તેમ છે. તેમણે સાંસદ કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયાના સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, મધ્ય પ્રદેશમાં સિંહો માટે સ્થળની જગ્યાની તૈયારીથી માંડીને ગુજરાતમાં સિંહોની ઓળખ કરવા સુધીની પ્રક્રિયા બહુ લાંબી છે.
દરમિયાન, ગિરનાર જંગલમાં બોરદેવી નજીક ૧૯મી ઓક્ટોબરે એકાએક ભીષણ આગ ભભૂકતા ત્રણ કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવાઈ હતી. તેમાં એક હેક્ટર જંગલ ખાક થઈ ગયાનું વનસૂત્રો જણાવી રહ્યા છે.