ગુજરાતનું બીજું સફારી પાર્ક આંબરડીમાં ખુલ્લું મુકાશે

Wednesday 23rd December 2015 07:16 EST
 

રાજ્યમાં ગીરના જંગલોમાં સિંહદર્શન માટે સફારી પાર્ક કર્યા પછી અમરેલી જિલ્લાના આંબરડી ખાતે ગુજરાતનું બીજું સફારી પાર્ક બની રહ્યું છે અને તે જાન્યુઆરી-૨૦૧૬ સુધીમાં ખુલ્લું મુકાશે તેમ વન વિભાગની વિભાગીય કચેરીના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. તેમના કહ્યા પ્રમાણે સાસણ ગીરના દેવળિયા પાર્ક પછી આંબરડીનું સફારી પાર્ક રાજ્યનું બીજું સિંહદર્શન માટેનું સ્થળ બનશે. આંબરડીના સફારી પાર્કમાં સિંહને ખસેડવાની સરકાર તરફથી મંજૂરી પણ મળી ગઈ છે, પણ હજુ સિંહદર્શન માટેની મંજૂરી ન હોવાથી આગામી જાન્યુઆરી મહિનામાં સિંહને પ્રવાસીઓ જોઈ શકે તે માટે મંજૂરી મળશે તેમ વન વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. આ બાબતે વન વિભાગના મુખ્ય સંરક્ષક ડો એ સી. પંતે કહ્યું હતું કે, આમ તો સફારી પાર્ક બનવા સાથે જ સિંહદર્શનની મંજૂરી પણ મળી ગઈ હોત, પરંતુ કેટલીક કાયદાકીય પ્રક્રિયાને કારણે સિંહદર્શનની મંજૂરી ચાલુ મહિનામાં મળતાં જ જાન્યુઆરીથી લોકો માટે સફારી પાર્ક ખુલ્લો મૂકવાનું આયોજન છે.
• ગોંડલના પેલેસમાં વિન્ટેજ કારનો મેળાવડો થયોઃ વિન્ટેજ કાર કલેક્શન માટે ગોંડલનો રાજવી પરિવાર પ્રસિદ્ધ છે. તેમના કલેકશનમાં અંદાજે ૫૦ જેટલી વિન્ટેજ કાર ચાલુ હાલતમાં શોભી રહી છે. ત્યારે મુંબઈથી વિન્ટેજ કાર ધરાવતા યુવરાજના મિત્રો રાજવી પેલેસમાં આવતા પેલેસમાં વિન્ટેજ કારનો મેળાવડો સર્જાયો હતો અને ગોંડલવાસીઓ આ વિન્ટેજ મોટરો જોવા ઉમટી પડ્યા હતા.
• ભાટિયાના સરકારી દવાખાનામાં છ માસથી તબીબ નથીઃ ભાટિયાના સરકારી દવાખાનામાં ફરજ બજાવતા ડો. ગોજિયાની છ માસ પહેલા બદલી થયા બાદ આરોગ્ય વિભાગ દ્વારા આજદિન સુધી કોઈ નવી નિમણૂક કરવામાં આવી નથી. ભાટિયાથી ૧૫ કિ.મી. દૂર આવેલા રાણ ગામના સરકારી દવાખાનાના ડો. પ્રકાશ ચાંડેગ્રાને આ દવાખાનાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. તે પણ અઠવાડિયામાં બે દિવસ મંગળવાર અને શુક્રવારે જ આવતા હોવાથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
• ૮૧ વર્ષીય યુવાન લેખકે ‘પોરબંદરનો ઈતિહાસ’ ગ્રંથ તૈયાર કર્યો!ઃ પોરબંદરના ૮૧ વર્ષીય ઈતિહાસવિદ લેખક નરોત્તમ પલાણે ૩૯૨ પાનાંનો ‘પોરબંદરનો ઈતિહાસ’ નામનો દળદાર ગ્રંથ તૈયાર કર્યો છે અને તેનું વિમોચન ૨૨મી ડિસેમ્બરે કરવામાં આવ્યું હતું.
• જૂનાગઢના ઉદ્યોગપતિ શશીભાઈ થાનકીનું નિધનઃ જૂનાગઢના અગ્રણી ઉદ્યોગપતિ શશીકાંતભાઈ મેઘજીભાઈ થાનકીનું ૧૯મી ડિસેમ્બરે સવારે ૬૮ વર્ષની વયે નિધન થતાં ઉદ્યોગ જગતમાં શોક છવાયો છે. તેમની અંતિમયાત્રામાં ઉદ્યોગકારો, આગેવાનો, સમાજ શ્રેષ્ઠીઓ સહિતનાએ જોડાઈને મૃતાત્માને અંજલિ અર્પી હતી.
• વણાકબારા બંદરે આગઃ દીવના દરિયાકિનારે આવેલા વણાકબારા બંદરની જેટી પાસે રવિવારે એક ઝૂંપડામાં એક મહિલા રસોઈ બનાવતી હતી તેમાંથી ફાટી નીકળેલી આગે ભીષણ સ્વરૂપ પકડતાં ૬૦ ઝૂપડાં, ૪ બોટ, ૧૩ વાહનો અને ૨ ક્રેઇન સળગીને ખાખ થઇ ગયા હતા અને આશરે રૂ. ૬૦ કરોડનું નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter