રાજકોટઃ મુંબઈ બોમ્બ વિસ્ફોટના દોષિત યાકુબ મેમણને અપાયેલી ફાંસીના કારણે ફરીથી મૃત્યુદંડને નાબૂદ કરવાની ચર્ચા શરૂ થઈ છે. ગુજરાતમાં સૌથી વધુ ફાંસી આપવાની ઘટના રાજકોટમાં બની છે.
રાજ્યના ઇતિહાસમાં રાજકોટની જેલમાં ચાર વ્યક્તિને ફાંસી આપવામાં આવી છે. નોકરી, પગાર સહિતના પ્રશ્ને ઉપવાસ પર ઉતરેલા વેરાવળ પંથકના શશીકાંત કેશવલાલ પરમાર ઉર્ફે માળીને પારણા કરાવીને થયેલો અન્યાય દૂર કરાવશે તેવી ખાતરી આપનાર મઝદૂર સંઘના અગ્રણી વકીલ હસુભાઈ દવે દ્વારા અપાયેલી ખાતરીનો બરાબર અમલ નહીં થતાં ઉશ્કેરાયેલા શશીકાંત માળીએ જંકશન પ્લોટ વિસ્તારમાં ગાયકવાડીમાં રહેતા હસુભાઈ દવેના ઘરે જઈને તેમના કુટુંબી ગૌરીશંકર દવે, ભાભી આશાબહેન નિરંજનભાઈ દવે અને માસુમ બાળા વિભા નરેન્દ્રભાઈ દવેની કરપીણ હત્યા કરી હતી. ૧૭-૧૦-૧૯૮૦ના રોજ બનેલી આ ઘટના અંગે શશીકાંતની ધરપકડ થઇ હતી. તેની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી સરકારે તેના માટે વકીલની નિમણૂંક કરી હતી. આ હત્યા કેસની સુનાવણી થતાં ૩૧ જુલાઇ ૧૯૮૧ના દિને તેને ફાંસી અપાઇ હતી. આ સજાને સુપ્રીમ કોર્ટે પણ મંજૂર આપી હતી. શશીકાંતને બચાવવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓ સામે આવી હતી.
ફરિયાદ પક્ષે તેને ફાંસી સજા થાય તે માટે પુરતા પ્રયત્નો થયા હતા. તેની દયાની અરજી સહિતની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ૭ સપ્ટેમ્બર ૧૯૮૯ના રોજ શશીકાંત માળીને રાજકોટની સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. તેને ફાંસી આપવા માટે મહારાષ્ટ્રમાંથી જલ્લાદને બોલાવાયો હતો.
આ પહેલા રાજકોટની જેલમાં ૨-૬-૬૫ના રોજ કે. જે. સોની, ૩૧-૩-૬૫ના રોજ બટુક રાઘવભાઈ રાજપુત અને ૧૧-૧૧-૬૩ના રોજ ચુનિલાલ માધવજીભાઈ જાદવને ફાંસી અપાઇ હતી.