રાજકોટઃ ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ ગિરીશમુનિ મહારાજે પોતાના પરિવારજનો, સંઘના આગેવાનો વગેરે સમક્ષ પોતાને રાજકોટના શેઠ ઉપાશ્રયે લઈ જવાની ઇચ્છા વ્યક્ત કર્યા બાદ ૧ જુલાઇએ તબીબોએ હાલત અત્યંત ગંભીર હોવાનું જણાવી બંને કિડની અને લિવરની સારવારમાં હાથ ઊંચા કરતાં વોકહાર્ટ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સાંજે ગિરીશમુનિને મનોહરમુનિ, સુશાંતમુનિ, સાધ્વી વનિતાબાઈ, સાધ્વી રૂપાબાઈ સંઘ આગેવાનોની ઉપસ્થિતિમાં આજીવન સંથારો આપવામાં આવ્યો હતો અને મંત્રોચ્ચાર, સ્તવનના પાઠ વચ્ચે તેમનો સંથારો સીઝી ગયો હતો. નવાગઢ સ્થાનકવાસી સંપ્રદાયના ગાદીપતિ શ્રી ગુરુદેવ ગિરીશમુનિ મહારાજ ૮૮ વર્ષની જૈફ વયે કાળધર્મ પામતા તેઓની પાલખીયાત્રામાં ગામે ગામથી સ્થાનકવાસી જૈનનાં ચાર હજારથી અધિક શ્રાવક, શ્રાવિકાઓ જોડાયા હતાં. સદ્ગતની અંતિમવિધિ ૫૧ કિલો ચંદનના લાકડાથી કરવામાં આવી હતી. ગિરીશમુનિ મહારાજની લાગણી મુજબ પાલખીયાત્રા વેળાએ સ્થાનકવાસી જૈન સમાજના ગરીબ પરિવારો, જરૂરિયાતમંદો માટે મેડિકલ સહાય તથા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સહાય અંતર્ગત સ્વયંભૂ માતબર રકમની ઘોષણા થઈ હતી, જે જરૂરિયાતમંદો માટે વપરાશે.