જૂનાગઢઃ સાસણ (ગીર)ના એક ખેડૂતે પોતાના ખેતરમાં આંબા પર ગોટલી વગરની કેરી ઉગાડી છે. આ કેરી એવી છે કે, તે સીધી સફરજનની જેમ ખાઇ શકાય છે. સાસણ ગીર ખાતે તાજેતરમાં યોજાયેલા પ્રદર્શનમાં આ કેરીએ લોકોમાં આકર્ષણ ઊભું કર્યું હતું. વિવિધ પ્રકારની કેરી જોવા આવેલા લોકોએ આ અંગે કૃષિ વૈજ્ઞાનિકો સાથે ચર્ચા પણ કરી હતી. મુલાકાતીઓ કહેતા હતા કે, કેસર અને આફૂસ કેરીમાં ગોટલી જ ન હોય તેવી કેરી વિકસાવો તો અમારે કેરીને કાપવામાં અને રસ કાઢવાનાં કોઈ મુશ્કેલી ન પડે.
૧૯૯૨માં આ કેરી વિકસાવી હતી
સિડલેસ કેરીનું ફળ નાનું ૨૦૦થી ૨૫૦ ગ્રામનું હોય છે. તેનો સ્વાદ પ્રમાણમાં સારો છે. આ કેરી ૧૯૯૨માં રત્નાગીરી-બાપોલીના ડો. ગુંજારેએ ૧૯ વર્ષનાં સંશોધન બાદ આ કેરી વિકસાવી હતી. ત્યારબાદ સીધી સાસણના ખેડૂત શમસુદ્દીનભાઈએ ઉગાડી છે. જોકે, તેનું ઉત્પાદન ઓછું મળે છે તેથી ખેડૂતો ઉગાડવાનું પસંદ કરતાં નથી. કેરીના આ પ્રદર્શનમાં એપલ મેંગોએ પણ અનોખું આકર્ષણ ઊભું કર્યું હતું. જ્યારે પરી, નિલેશ્નરી, દૂધ પેન્ડો, નિલફાન્ઝો, દાડમિયો, દશેરી, સરદાર, વગેરે જાતની કેરી પ્રદર્શિત થઈ હતી.