જામનગરઃ વિશ્વમાં મોટાભાગના લોકોની સવાર ચા પીવાથી પડે છે. પરંતુ અચરજની વાત તો એ છે કે હવે એક પોપટ પણ ચાનો રસિયો થઇ ગયો છે.
જામનગરમાં એક પોપટને ચા પીધા વગર ચેન પડતું નથી. શહેરના ગાંધીનગર વિસ્તારમાં રહેતા ફિરોઝ પઠાણના ઘરે ચા પીવાની જિજ્ઞેશ નામના પોપટનો તો નિત્યક્રમ થઇ ગયો છે. છેલ્લાં ચાર વર્ષથી સવારે આ પોપટ ફિરોઝભાઈના ઘરે આવે અને બંને સાથે ચા પીવે અને પછી પોતપોતાના કામે લાગે. ફિરોઝભાઈએ આ પોપટ પાળ્યો નથી. એક દિવસ અચાનક જ તે તેમના ઘરે આવ્યો હતો અને ફિરોઝભાઈની ચાની રકાબીમાંથી ચા પીવા માંડ્યો હતો. પ્રથમવાર પોપટ ઘરે આવ્યો એ દિવસને યાદ કરતાં ફિરોઝભાઈ કહે છે કે, ‘મારા જિજ્ઞેશ નામના મિત્રનું અકસ્માત મૃત્યુ થયું હતું. ૨૯ ઓક્ટોબર, ૨૦૧૦ના રોજ તેને એક્સિડન્ટ થયો અને એના બીજા જ દિવસે સવારે આ પોપટ ઘરે આવ્યો. એ સમયે હું અપસેટ હતો, પણ પોપટ આવ્યા પછી મને થોડું સારું લાગ્યું. હું ત્યારે ચા પીતો હતો. મેં મજાકમાં એને ચા ધરી તો પોપટે ચા પીધી અને પછી તો એ પાછો બીજે દિવસે પણ આવી ગયો અને આ અમારો નિત્યક્રમ થઈ ગયો.’
ઘરે આવતા આ પોપટને પોતાના મિત્રનું નામ પણ ફિરોઝભાઈએ જ આપ્યું છે. હવે તો આ પોપટને આખી સોસાયટી જિજ્ઞેશના નામે જ બોલાવે છે. સોસાયટીના અનેક લોકોએ આ પોપટને ચા પિવડાવવાનો પ્રયાસ કર્યો, પણ જિજ્ઞેશ બીજા કોઈની ચામાં ચાંચ પણ ડુબાડતો નથી.