ચીનની ફિશિંગ બોટો જાફરાબાદના દરિયામાં

Wednesday 22nd July 2015 08:52 EDT
 

અમરેલીઃ ભારતીય જળસીમામાં ઘૂસીને જાફરાબાદનાં દરિયામાં ચીનની ૧૦ વિશાળ ફિશિંગ બોટો સાથે ૬૯ ચાઈનીઝ ખલાસીઓ આવી ચડતાં સુરક્ષા એજન્સીઓ ચોંકી ઊઠી હતી. આ ખલાસીઓને સકંજામાં લઈને ઝીણવટભરી પૂછતાછ શરૂ કરાઈ હતી. જોકે, પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ બાબત ધ્યાને આવી નહોતી.
જાફરાબાદના દરિયામાં અંદાજે દસ નોટિકલ માઇલના અંતરે ગત સપ્તાહે ચીનની ૧૦ વિશાળ બોટ દેખાઈ હતી. છેલ્લા ૧૫ દિવસથી દરિયાઈ તોફાનમાં ફસાયા બાદ ડીઝલ અને રાશન સામગ્રી ખલાસ થઈ જતાં ચીનની ફિશીંગ બોટો મધદરિયે જ અટવાઈ પડી હતી. જોકે, સુરક્ષા એજન્સીઓએ તમામ તપાસ કરતા તેમાં કંઇ વાંધાજનક મળ્યું નહોતું. અંતે તમામ બોટને મુક્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમને જરૂરી ડીઝલ પણ આપવામાં આવ્યું હતું.

નવી મુંબઈથી પૂરગ્રસ્તોને સહાયઃ ગત મહિને ભારે વરસાદથી અસર પામેલા અમરેલી જિલ્લાના લોકોને નવીમુંબઈ ગુજરાતી સમાજે સહાય કરી છે. પ્રથમ જરૂરી કિટ, પાણી, અનાજ, કપડાં, વાસણ વગેરેની સહાય લોકો વચ્ચે સતત આઠ દિવસ રહી મુંબઈસ્થિત ઉદ્યોગપતિ સી. કે. ઠુમ્મર અને સી.કે. બાબરિયાએ સેવા કરી હતી. પછી આ ઉદ્યોગપતિઓએ મુંબઈ જઈને નવી મુંબઈ ગુજરાતી સમાજને સહાય માટે અપીલ કરતા કુલ રૂ. ૫૧,૭૬, ૦૦૦ જેવી માતબર રકમ મળી. તેમણે ૩૪ ગામમાં જરૂરતમંદોને શોધીને રોકડ સહાય કરી હતી.

 કેસર કેરીના ઉત્પાદકોને રૂ. ૧૫ કરોડની સહાયઃ તાલાલા (ગિર) પંથકમાં કેસર કેરીના ઉત્પાદક ખેડૂતોને આ વર્ષે માવઠાથી થયેલ નુકસાનના વળતર પેટે રૂ. ૧૫ કરોડની સહાય ચૂકવવામાં આવી છે. આઝાદીના ૬૮ વર્ષ પછી બાગાયત પાક માટે આ પ્રથમ વખત સહાય ચકૂવાઈ હોવાનું કહેવાય છે. આ પંથકના કુલ ૬૬૪૬ ખેડૂતોની ૮૫૧૦ હેક્ટર જમીનમાં કમોસમી વરસાદને કારણે નાશ પામેલ કેસર કેરીના પાકની સહાય મંજૂર કરી વળતર તરીકે કેરીના ઉત્પાદકો રાજ્ય સરકારે એક હેક્ટર દીઠ રૂ. ૧૮ હજાર લેખે કુલ રૂ. ૧૫ કરોડ ૩૨ લાખની સહાય કોઈપણ વચેટિયા વગર દરેક ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ છે.

ગીર જંગલમાં નવા ૧૧ સિંહ બાળનો જન્મઃ ગીર જંગલ વિસ્તારમાં તાજેતરમાં ૧૧ બચ્ચાનો જન્મ થયો છે. જેમાં ત્રણ સિંહણે ત્રણ-ત્રણ તથાં એક સિંહણે બે બચ્ચાંને જન્મ આપ્યો છે. આ બચ્ચા ૧૫થી ૧૭ દિવસના થયાનો અંદાજ છે. થોડા સમય પહેલાં આવેલા પૂરમાં સિંહોની દુઃખદ ઘટના બાદ ગિર જંગલમાં ૧૧ સિંહબાળના જન્મથી સિંહ પ્રેમીઓ તથા વનતંત્રમાં ખુશી વ્યાપી છે. તાજેતરમાં અમરેલી તથા ભાવનગર જિલ્લામાં આવેલા પૂરના લીધે દસ જેટલા સિંહનાં મોત થયાં હતાં. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ગિરમાં સિંહની વસતિ ગણતરી થઇ હતી જેમાં તેમની સંખ્યા ૫૨૩ નોંધાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter