પોરબંદરઃ ચીનની કેટલીક ફિશિંગ બોટ છેક કેરળના દરિયા કિનારેથી ગુજરાતના દરિયાકાંઠે આવી પહોંચતા સલામતી એજન્સીઓ ચોંકી ઊઠી હતી. આ ફિશિંગ નૌકાઓ ગત સપ્તાહે ગુજરાતના દિવના કિનારે પહોંચી હતી. ભારતીય કોસ્ટગાર્ડના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, આ તમામ બોટમાં ચીનના માછીમારો છે. આ ચીની માછીમારી નૌકાઓને તાજેતરમાં કોસ્ટગાર્ડના એક વિમાને કેરળના સાગરકાંઠે જોતા તત્કાલ એલર્ટ અપાયું હતું. પછી આ અંગે ચીનના મેરીટાઈમ રેસ્ક્યુ કોર્ડીનેશન સેન્ટર દ્વારા એવો સંદેશો ભારતીય કોસ્ટગાર્ડને અપાયો હતો કે ચીનથી ઈરાન જઈ રહેલી આ ફિશિંગ બોટ ખરાબ હવામાનને કારણે ગુજરાતના દરિયામાં ફસાઈ ગઈ છે અને માછીમારોને જો જરૂર પડે તો યોગ્ય આશરો આપવાની વિનંતી છે.
જોકે, ભારત-ચીન વચ્ચે અત્યારે ચાલી રહેલા એક પ્રકારના શીત યુદ્ધના સંદર્ભે ભારતીય કોસ્ટગાર્ડે આ ઘટનાને ગંભીરતાથી લઇને તત્કાલ તપાસ કરી હતી. કોસ્ટ ગાર્ડે તેમને એવી સૂચના આપી હતી કે તેઓ પોતાની નૌકા પરની ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સતત ચાલુ રાખે અને નૌકાઓની પોઝિશનિંગ અંગેની પણ જાણકારી આપે અને આ ઉપરાંત હવે ક્યા બંદર તરફ જવાનું છે તેની પણ આગોતરી સૂચના આપે.
સરકારે એસ્સારને ખંભાળિયામાં ગૌચર પધરાવ્યુંઃ એસ્સાર પાવર કંપનીએ રાજ્યની ભાજપ સરકારની સાથે મીલીભગતથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પાસેના ગામવાસીઓ પાસેથી બળજબરીથી ૧૭,૬૯,૯૮૬ ચોરસ મીટર ખેતી અને ગૌચરની જમીન આંચકી લીધી હોવાનો આક્ષેપ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે કર્યો છે. એસ્સાર કંપનીના માણસો રાત્રીના સમયે ખંભાળિયા તાલુકાના મોટા માંઢા, પરોડીયા તથા આજુબાજુના ગામોમાં ત્રાટક્યા હતા. જેસીબી અને અન્ય મોટી મશીનરીથી બળજબરી પૂર્વક જમીનનો કબજો લેવાનો પ્રયત્ન કર્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.