ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તાજેતરમાં ચોટીલા ખાતે બોર્ડના ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવ અને સુરેન્દ્રનગર કલેકટરના સંયુક્ત ઉપક્રમે એક મિટિંગ મળી હતી. જેમાં ચોટીલા અને આસપાસના સુરેન્દ્રનગર પાંચાળ ભૂમિમાં આવેલા યાત્રાધામોમાં આવનારા પ્રવાસીઓને ભૌતિક સવલતો મળી રહે તેના માટે વિચાર વિમર્શ કરાયું હતું. ચોટીલા ડુંગરના પગથીયા પહોળા કરવા અને રોપ-વે યોજનાને લાવવા માટે ઉપસ્થિત સ્થાનિક આગેવાનો અને સંતોએ સૂચનો કર્યા હતા. આ બેઠકમાં ખાસ એકશન પ્લાન તૈયાર કરવાની કલેકટરે જાહેરાત કરી હતી. આ દરમિયાન સરકારમાંથી રાજુભાઈ ધ્રુવે પણ જરૂરી મદદ કરાવવા ખાત્રી આપી હતી. આ ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે, યાત્રાધામ વિકાસ બોર્ડમાં નિમણૂક થયા બાદ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને ચોટીલા ડુંગરમાં રોપ-વે સુવિધા માટે પણ વ્હેલી તકે સકારાત્મક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે અને તેઓ આગામી દિવસોમાં કેન્દ્ર સરકારમાં આ અંગે પ્રાધાન્ય મળે તેવા પ્રયત્નો કરશે. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા આસપાસના વિસ્તારોમાં જોડતા યાત્રાસ્થાનોના સાઈનબોર્ડ મુકવા રસ્તા, પાણી અને સાફ-સફાઈના મુદ્દે સ્થાનિક કક્ષાએ કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતું.