જામનગરઃ જિલ્લાના ખેડૂતે પોતાની જમીનમાં પવનચક્કી નાખવા સામે ન્યાયની માંગણી કરી હતી. પરંતુ તેમને ન્યા ય નહીં મળતાં ૨૪ એપ્રિલે બપોરે કલેક્ટર કચેરીના પ્રાંગણમાં આત્મવિલોપનનો પ્રયાસ કરતાં ચકચાર મચી હતી. જોકે હાજર પોલીસે ખેડૂતની અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો.
જામજોધપુર તાલુકાના સડોદર ગામના ગોવિંદભાઈ મેઘાભાઈ મેઘવાર નામના ખેડૂતની જમીનમાં પવનચક્કીઓ ઊભી કરનાર બે-ત્રણ ખાનગી કંપનીઓ સામે અવારનવાર સ્થાનિકથી લઇને ઉચ્ચતંત્ર સામે ફરિયાદો કરી હતી. આમ છતાં કોઈ નિરાકરણ ન આવતાં ગોવિંદભાઈ પોતાને થતાં અન્યાયથી વ્યથિત બનીને કલેક્ટર કચેરી સામે આત્મવિલોપન કરવાની તૈયારી સાથે જામનગર આવ્યા હતા. અહીં કલેક્ટર કચેરીના પટાંગણમાં જ ગોવિંદભાઈએ તેના શરીર ઉપર ડબલામાંથી કેરોસીન રેડી દોટ મૂકતા પોલીસે પણ તેની પાછળ દોડીને આત્મવિલોપન કરે તે પૂર્વે જ પકડી લઈ આત્મવિલોપન કરતાં અટકાવ્યાં હતાં.