રાજકોટઃ આફ્રિકન દેશોમાં ભારત માટે વેપારની ઉજળી તકો રહેલી છે. આ ઉપરાંત આફ્રિકન વેપારીઓને પણ ભારતમાં નિકાસની સુંદર તક છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આફ્રિકાના દેશોના રાજદૂતો અને બિઝનેસ એક્સપર્ટ તથા રાજકોટ સૌરાષ્ટ્રના વેપારીઓ વચ્ચે યોજાયેલી બિઝનેસ મીટના પગલે ઝામ્બિયાના ભારત ખાતેના રાજદૂત ડેમ્બો બેડે સૌરાષ્ટ્ર સાથે વેપાર કરવાની તત્પરતા વ્યક્ત કરી હતી. તેમણે મહામંડળના પરાગ તેજુરાને એક મેઇલ પાઠવી ભારત અને આફ્રિકાના દેશો વચ્ચે કયા કયા ક્ષેત્રોમાં વ્યાપાર થઈ શકે તેમ છે અને આ વેપાર એક કંપની સ્થાપી બંને દેશને જોડીને કરવામાં આવે તો ભારત-આફ્રિકાના દેશો વચ્ચે વેપારનો એક ઇતિહાસ રચાય તેવી આશા વ્યક્ત કરી હતી. તેમણે ઇમેઇલમાં ત્યાં સુધી જણાવ્યું છે કે, જો આવી કોઈ કંપનીની રચના થાય તો તેઓ તેમનો અનુભવ તેમાં જોડવા ઇચ્છે છે અને કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે પણ ફરજ બજાવવા તૈયાર છે.
બંને દેશો વચ્ચે ઓટો સ્પેર પાર્ટસ ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર, ફૂડ કોમોડિટી ટ્રેડિંગ, બિલ્ડિંગ અને કન્સ્ટ્રકશન મટિરિયલ, ફૂડ પાર્ક સેન્ટર, બદામ સહિતના સુકામેવાનું એક્સપોર્ટ, ઇમ્પોર્ટ, એમ્ફિથિયેટર રેસ્ટોરન્ટ, સિનેમા ડેવલપમેન્ટ સહિતના ક્ષેત્રોમાં સારી રીતે કામ થઈ શકે છે તેમ તેમણે જણાવ્યું છે. આ જોતા આફ્રિકન દેશોને સૌરાષ્ટ્ર સાથે વ્યાપારમાં મોટી તક દેખાય છે અને ભવિષ્ય ઉજળુ છે એમ કહી શકાય.
ઈમિટેશનનો વૈશ્વિક વેપાર
રાજકોટની ઈમિટેશન જ્વેલરીને હવે વૈશ્વિક માર્કેટિંગનું પ્લેટફોર્મ મળશે. રાજકોટ આવેલા આફ્રિકન ડેલિગેશનને રાજકોટમાં બનેલી જ્વેલરી પસંદ પડી છે. આફ્રિકન ડેલિગેશનને વિશ્વના વિવિધ દેશોમાં યોજાતા ઈન્ટરનેશનલ ટ્રેડ શોમાં રાજકોટની ઈમિટેશન જ્વેલરી પ્રદર્શિત કરવા રૂ. દસ લાખની જ્વેલરી ખરીદી છે. જ્યારે વધારાના રૂ. દસ લાખના ઓર્ડર રાજકોટના વિવિધ વેપારીને આપ્યા છે. આ ડેલિગેશને જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં લંડન ખાતે યોજાનાર વર્લ્ડ ટ્રેડ શોમાં રાજકોટની જ્વેલરી સહિત તેઓ અનેક આઈટમ શો-કેસ કરાશે. આ વર્લ્ડ શોમાં વિશ્વનો મુસ્લિમો ખૂબ જ મોટી સંખ્યામાં આવે છે. જ્યાં હજયાત્રીઓ મોટાપાયે ખરીદી કરે છે. પછી આફ્રિકામાં યોજાનાર વર્લ્ડ ટ્રેડ શોમાં પણ રાજકોટની ઈમિટેશન જ્વેલરીને પ્રદર્શિત કરાશે. જેમાં માગ મુજબ રાજકોટમાંથી વધુ ખરીદીના ઓર્ડર અપાશે.