રાજકોટઃ પોતાની શારીરિક નબળાઇને જ અવસરમાં ફેરવનાર રાજકોટના તરુણવયના હાસ્યકારના નામે છ રેકોર્ડ નોંધાયા છે. ભારતના સૌથી નાની વયના વિકલાંગ હાસ્ય કલાકાર તરીકે જય છનિયારાનું નામ જાણીતું છે. તેની નોંધણી એશિયા બુક્સ ઓફ રેકોર્ડસ, વર્લ્ડ અમેઝિંગ રેકોર્ડસ, હાઈ રેન્જ બુક્સ ઓફ રેકોર્ડસ, ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ, વર્લ્ડ રેકોર્ડસ ઈન્ડિયા અને મિરેકલ્સ વર્લ્ડ રેકોર્ડસમાં થઇ છે. જયની આ અભૂતપૂર્વ સિદ્ધિની જાણ થતાં કોમેડી નાઈટ્સ શ્રેણીના કપિલ શર્માએ જયને મુંબઈમાં સેટ પર ખાસ આમંત્રણ આપીને તેની સિદ્ધિને બિરદાવી છે. કપિલે કહ્યું જે જય લાફ્ટર અને ચેલેન્જ બંનેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. અને હંમેશા હસતો-હસાવતો જય ઘણા લોકો માટે પ્રેરણારૂપ છે. ઉલ્લેખનીય છે કે જયને જન્મથી જ સેરેબ્રલ પાલ્સી જેવી બીમારી છે અને શરીરથી લગભગ ૮૦ ટકા વિકલાંગ હોવા છતાં તેણે પોતાની હાસ્યકલાની મદદથી દરેક આપત્તિને અવસરમાં બદલી છે, જે હઠીલા રોગ પર આજનું આધુનિક વિજ્ઞાન પણ વામણું પૂરવાર થયું છે. આ રોગ પર જયે પોતાની મહેનત, હિંમત અને હાસ્યથી વિજય મેળવ્યો છે. એક સમયે ઠીકથી બેસી પણ ન શકનાર જય આજે વોકિંગ સ્ટીકની મદદથી હાસ્ય કલાકાર તરીકે અનોખી કારકિર્દી તરફ ધીમા પણ મક્કમ ડગલા માંડી રહ્યો છે.