તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની સીઝન અંદાજે ૩૩૦૦ બોક્સના છેલ્લા વેચાણ સાથે સંપન્ન થઈ હતી. યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ૧૯ મેથી શરૂ થયેલ સીઝન એક દિવસની રજા બાદ કરતા ૨૬ દિવસ ચાલી હતી. ૨૬ દિવસ દરમિયાન તાલાલા પંથક તથા આજુબાજુના તાલુકામાંથી કુલ ૭ લાખ ૧૭ હજાર ૪૦૦ બોકસનું વેચાણ થયું હતું. સીઝન દરમિયાન કેસર કેરીના દશ કિલો ગ્રામના એક બોક્સનો ભાવ સરેરાશ રૂ. ૨૫૦ આસપાસ રહ્યો હોય આ સીઝનમાં તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કુલ રૂ. ૨૧ કરોડથી પણ વધુ કેસર કેરીનું વેચાણ થયું તો તાલાલા માર્કેટિંગ યાર્ડમાં ગત વર્ષે ૪૫ દિવસ કેસર કેરીની સીઝન ચાલી હતી અને ૧૦ લાખ ૮૫ હજાર કેસર કેરીના બોક્સનું વેચાણ થયું હતું પરંતુ આ વર્ષે તાલાલા પંથકમાં કમોસમી વરસાદ અને અનુકૂળ આબોહવાના અભાવે કેસર કેરીના પાકને મોટું નુકસાન થતા માંડ ૪૦ ટકા પાક તૈયાર થયો હતો.
ગીરમાં વનરાજાનું વેકેશન શરૂઃ એશિયાટિક લાયનના એકમાત્ર વસવાટ એવા ગીર જંગલમાં ૧૬ જૂનથી ચાર માસ માટે વનરાજોનું વેકેશન શરૂ થયું છે. જંગલમાં મુકત રીતે વિહરતા સિંહને જોવા એ એક જિંદગીનો લ્હાવો છે. ચોમાસાના ચાર માસ સિંહો માટે મેટીંગ પિરીયડ હોવાથી વનતંત્ર દ્વારા ૧૬ જૂનથી ૧૫ ઓક્ટોબર સુધી વનરાજોના વેકેશનને લઇ સિંહદર્શન બંધ કરવામાં આવે છે.