તાલાલા (ગીર)ઃ કમોસમી વરસાદ અને લોકોની વધતી જતી ઇંતેજારી પછી ગીરની કેસર કરીનું આગમન હવે ટૂંક સમયમાં થશે. ૧૯ મેથી તાલાલા (ગીર) માર્કેટ યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ થશે. કેસર કેરી અધકચરી પાકેલી બજારમાં આવી નહીં અને તેના કારણે કેસર કેરી બદનામ થાય નહીં તેવી કાળજી સાથે યાર્ડમાં જ કેસર કેરી પાકીને ઓરીજીનલ સ્વાદ સાથે બજારમાં પહોંચે તેવું આયોજન યાર્ડ દ્વારા થઇ રહ્યું છે. આ ઉપરાંત ઉત્પાદકોને પણ પૂરતા ભાવ મળે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે તેવું યાર્ડના સૂત્રોનું માનવું છે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ૬ મેના રોજ હરાજી શરૂ થઈ હતી, અને દસ કિલોનું એક એવા ૧૧ લાખ ૮૫ હજાર બોક્સ વેચાણમાં આવ્યા હતા. જોકે આ વર્ષે પાક ઓછો થયો હોવાથી કેરીની આવક ઘટવાની સંભાવના છે.
ભૂકંપગ્રસ્તો માટે પૂ. ભાઇશ્રી દ્વારા રૂ. ૫૧ લાખની સહાયઃ ભાગવત કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા નેપાળના ભૂકંપગ્રસ્તો માટે રૂ. ૫૧ લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. સાંદીપનિ પરિવાર પોરબંદર દ્વારા આ રકમ જાહેર થઈ છે.