પોરબંદરઃ મહાત્મા ગાંધીજીની ભૂમિ પોરબંદર શહેરમાં રોજ દેશ-વિદેશથી પ્રવાસીઓ મુલાકાત લેવા માટે આવતા હોય છે અને ગાંધી જન્મસ્થળની મુલાકાત લઈ ગાંધીજી વિશેની માહિતી પણ મેળવતા હોય છે, પરંતુ આ ગાંધી જન્મભૂમિ પર જ રાષ્ટ્રધ્વજ ફરકતો ન હોવાથી પ્રવાસીઓમાં નારાજગી જોવા મળતી. જોકે એક દાયકા પહેલાં અહીં નિયમિત રાષ્ટ્રધ્વજ ફરકતો જોવા મળતો હતો. એક દાયકા પૂર્વે વાવાઝોડાના સમયમાં ધ્વજની દાંડી તૂટી જતાં તથા પૂરતા કર્મચારી ન હોવાને કારણે રાષ્ટ્રધ્વજ લહેરાવવાની પરંપરા તૂટી હતી. જોકે તાજેતરમાં કિર્તીમંદિર સંચાલન સમિતિના અધ્યક્ષ ચેતન ગણાત્રા અને કર્મચારીઓની અરજીના પગલે કલેક્ટર દ્વારા અહીં રાષ્ટ્રધ્વજ લહેરાવવાની પરંપરા ફરી શરૂ કરી છે.