વાંકાનેરઃ દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વાંકાનેરની એન. આર. દોશી આંખની હોસ્પિટલ ખાતે ૧૬મી જાન્યુઆરીથી ૨૩મી જાન્યુઆરી સુધી ભવ્ય નેત્રયજ્ઞ થયો હતો. જેમાં આંખના પડદા, મોતિયા, ત્રાંસી આંખ, વેલ, છારી, ઝામર તથા આંખના અન્ય રોગોની તકલીફવાળા પેશન્ટની આંખનું નિદાન તથા ઓપરેશન કરવામાં આવ્યા હતા. ભવ્ય નેત્રયજ્ઞમાં આંખના કુલ ૯૩૨ એડલ્ટ પેશન્ટની, ૩૩૬ બાળકોની, આંખના પડદા માટે ૨૯૨ પેશન્ટની મળીને કુલ ૧૫૬૦ પેશન્ટની વિનામૂલ્યે તપાસ કરવામાં આવી હતી.
જેમનું કેમ્પમાં નિદાન કરાવવાનું બાકી હોય તેઓએ ચિંતા કરવાની જરૂર નથી તેવું દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટના એનઆરઆઈ ફાઉન્ડર દંપતી ડો. રમણિકભાઈ મહેતા અને ડો. ભાનુબહેન મહેતા તથા ટ્રસ્ટના પ્રમુખ લલિતભાઈ મહેતાએ જણાવ્યું હતું. કારણ કે દેવદયાની એન. આર. દોશી આંખની હોસ્પિટલમાં દર મહિને આંખના પડદાના તથા ત્રાંસી આંખના વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે. દોશી હોસ્પિટલમાં ૧૩ વર્ષ સુધીના બાળકોનો ઓપીડી ચાર્જ પણ લેવામાં આવતો નથી એટલે કે બાળકોની આંખનું નિદાન વિનામૂલ્યે કરવામાં આવે છે. આ કેમ્પમાં ભારતના બાળદર્દીઓની સેવા માટે અમેરિકાથી ડો. ડેબોરાહ કોસ્ટાકોસ, ડો. આઈરિસ કેસિમ, ડો. કેલી લોરેન્ટી હાજર હતા. આ ઉપરાંત સહાય માટે અમેરિકાથી ઓપરેશન થિયેટરમાં ડાયના બાલ્ડ્રીની સેવાઓનો લાભ મળ્યો હતો. નોંધનીય છે કે યુ.કે.થી ‘વિઝન ભારત’ની ટીમના ૧૬ સ્વયંસેવકોએ પેશન્ટની સેવા કરીને માનવધર્મ આ નેત્રયજ્ઞમાં બજાવ્યો હતો. અમેરિકા તથા યુ.કે.થી આવનાર દરેક ડોક્ટર તથા સ્વયંસેવકો સ્વખર્ચે સેવા કરવા માટે આવ્યા હતા.