બીએપીએસ દ્વારા અમરેલીના ધારી ખાતે ભવ્ય શિખરબદ્ધ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ૯થી ૧૧ ફેબ્રુઆરી દરમિયાન યોજાઇ ગયો. મંદિરની લંબાઇ ૧૩૫ ફૂટ, પહોળાઇ ૯૦ ફૂટ, ઊંચાઇ ૬૨ ફૂટ છે, જે ૧૫થી વધુ કલાત્મક ઘુમ્મટો પર બનાવાયું છે. મંદિરમાં ભગવાન સ્વામીનારાયણ, અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, ઘનશ્યામ મહારાજ, યોગીજી મહારાજ, સીતા-રામ, હનુમાનજી, શિવ-પાર્વતી, ગણેશજીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાશે. યોગીજી મહારાજનો જન્મ ધારી ખાતે થયો હતો અને જૂનાગઢ સ્વામીનારાયણ મંદિરમાં સાધુ થયા હતા. જાન્યુઆરી-૧૯૭૧માં યોગીજી મહારાજે દેહત્યાગ કર્યો ત્યારે પ્રમુખ સ્વામીએ ધારીમાં ભવ્ય મંદિર બાંધવાનો નિર્ધાર કર્યો હતો.
બર્મિંગહામની બે યુવતીઓ ભારતથી અભિભૂતઃ ભારતની વિવિધ સંસ્કૃતિ અને યોગને જાણવા માટે યુકેની બે યુવતીઓ ૧૮ હજાર કિ.મી.ની સાયકલ યાત્રાએ નીકળી છે. આ યુવતીઓ ગત સપ્તાહે વઢવાણના ઐતિહાસિક સ્થળો અને પ્રાથમિક શાળાના શિક્ષણને નિહાળીને ભાવુક થઇ હતી, પછી બાળકોને પેન સહિતની ભેટ પણ આપી હતી. બર્મિંગહામની ટીચર અને એન્જિનિયરના વ્યવસાયમાં વ્યસ્ત જેમા અને રોબાકા વિશ્વશાંતિ માટે સાયકલ પર ભારતભ્રમણ કરી રહી છે. તેઓ હળવદ થઇ કચ્છ જવા નીકળી હતી.
૧૦૪ વર્ષનાં વૃદ્ધાની સ્મશાનયાત્રા ધામધૂમથી નીકળીઃ ધોરાજીના મોતીનગર પાસે રહેતા ચંદુભાઈ (દેશપ્રેમી)ના માતા અમૃતબહેન નાનજીભાઈ વઘાસિયા (૧૦૪)નું ટૂંકી બીમારી બાદ ગત સપ્તાહે અવસાન થયું હતું. સદ્ગતની છેલ્લી ઈચ્છા મુજબ ધામધૂમથી તેમની સ્મશાનયાત્રા નીકળી હતી તેમ જ કોઈપણ પ્રકારનો શોક ન રાખવાની ઈચ્છા પણ પૂરી કરાઇ હતી. વઘાસિયા પરિવાર દ્વારા સ્મશાનગૃહે રક્તદાન શિબિર યોજી હતી, જેમાં સંખ્યાબંધ લોકોએ રક્તદાન કરી અમૃતબહેનને રક્તદાન રૂપી શ્રદ્ધાંજલિ અર્પી હતી.
જુનાગઢના ભવનાથમાં શિવરાત્રિ મેળાની તડામાર તૈયારીઃ ગિરનાર પર્વતની ગોદમાં વસેલાં જૂનાગઢમાં આગામી મહાશિવરાત્રીના મેળાની તડામાર તૈયારીઓ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચાલી રહી છે. આદિઅનાદિકાળથી યોજાતા આ મેળાની પરંપરા મુજબ દર વર્ષે માઘ માસના કૃષ્ણપક્ષની નોમના રોજ શુભ મુહૂર્તમાં મેળાના કેન્દ્ર સ્થાનસમા ભગવાન ભવનાથ મહાદેવના મંદિરના શિખર ઉપર ધજા ચડે છે ત્યારથી આ મેળો શરૂ થયેલો ગણાય છે અને મહાશિવરાત્રીની મધ્ય-રાત્રિએ, નાગાસાધુઓના શાહી સ્નાન તેમ જ ભવનાથ મહાદેવની મહાઆરતી બાદ મેળો પૂર્ણ થાય છે. આ વખતે મેળાનો પ્રારંભ ૧૩ ફેબ્રઆરીએ થશે અને ૧૭ ફેબ્રઆરીએ મહાશિવરાત્રીની મધ્ય-રાત્રિએ પૂર્ણ થશે. જૂનાગઢ શહેરથી ૭ કિ.મી.ના અંતરે આવેલ ભવનાથ વિસ્તારમાં ૫૭ એકરની જગ્યામાં આ મેળો યોજાય છે. ભજન-ભક્તિ અને ભોજનનો મહિમા સૂચવતા આ મેળામાં પ્રતિવર્ષ આઠ લાખથી વધુ ભાવિકો ઊમટે છે.