ધીરુભાઈ અંબાણીના પૈતૃક ઘરની વિગતો હવે એક ક્લિકમાં

Wednesday 06th April 2016 07:27 EDT
 

 રિલાયન્સ ગ્રૂપના સ્થાપક ધીરુભાઈ અંબાણીના પૈતૃક ઘરની વિગતો હવે એક જ ક્લિકમાં મળી શકશે. ધીરુભાઈ અંબાણી મેમોરિયલ હાઉસની વેબસાઇટ (www.dhirubhai ambanimemorial chorwad.com)નું ઉદઘાટન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ દ્વારા ૩જી એપ્રિલે કરાયું હતું. આ વેળાએ સાંસદ અને રિલાયન્સ ગ્રૂપના પ્રેસિડન્ટ પરિમલભાઈ નથવાણી પણ ઉપસ્થિત હતા.
• ભાલકા તીર્થને રૂ. ૧૧ કરોડના ખર્ચે વિક્સાવાશેઃ યાત્રાધામ વિકાસ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ તાજેતરમાં જણાવ્યું છે કે ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલા સૌરાષ્ટ્રના મહત્ત્વપૂર્ણ એવા ગીર સોમનાથ જિલ્લાના ભાલકાતીર્થના વિકાસ માટે રૂ. ૧૧.૬ કરોડના ખર્ચે માળખાકીય સુવિધાઓ યાત્રાળુઓને ઉપલબ્ધ કરાવી આ કામ ૩૧ માર્ચ ૨૦૧૭ના રોજ પૂર્ણ કરવાનું આયોજન છે.
• પાક નિષ્ફળ જતાં અમરાપુરમાં ખેડૂતનો આપઘાતઃ ચાલુ વર્ષે ઓછા વરસાદથી પાક નિષ્ફળ જતાં આર્થિક સંકળામણથી ત્રસ્ત રાજકોટ જિલ્લાના અમરાપુર ગામના ખેડૂત ધીરુભાઈ ભાનુભાઈ વાસાણી (૪૫)એ બીજી એપ્રિલે પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
• નેચરલ ગેસના ભાવ ઘટતાં રોજ રૂ. ૬૦ લાખનો ફાયદોઃ સરકારે નેચરલ ગેસના ભાવમાં કયુબિક મીટરે રૂ. અઢીનો ઘટાડો કરતાં મોરબીના સિરામિક ઉદ્યોગને રોજનો રૂ. ૬૦ લાખનો ફાયદો થાય છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી મોરબીનો સિરામિક ઉદ્યોગ મંદીના માહોલમાં ફસાયો છે. એવા સમયે સરકારે રોજનો રૂ. ૬૦ લાખનો ફાયદો કરાવી આપતાં આ ઉદ્યોગ હવે મંદીમાંથી બહાર આવી હરણફાળ ભરશે તેવી આશા સ્પષ્ટ બની છે.
• ઓસ્ટ્રેલિયાથી ફોન આવ્યો અને પોલીસે ચિતા પરથી લાશ ઉતારીઃ ધોરાજીમાં ગોંડલના કારખાનેદાર લલિતભાઈ મહેતાનાં ચાળીસ વર્ષીય પત્ની હંસાબહેનનું શંકાસ્પદ રીતે મૃત્યુ થતાં પોલીસને જાણ કર્યા વગર બારોબાર તેમની અંતિમવિધિ કરી નાંખતા મૃતક મહિલાના ઓસ્ટ્રેલિયા રહેતા સંબંધીએ ધોરાજી પોલીસને ટેલિફોન સંદેશો આપી અંતિમવિધિ અટકાવવાનું કહેતાં પોલીસ કાફલો ધોરાજી સ્મશાન ગૃહ દોડી ગયો હતો અને મૃતક મહિલાની અંતિમવિધિ રોકીને અર્ધબળેલી લાશનો કબજો લઈને મૃત્યુનું કારણ જાણવા રાજકોટ ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલાઈ હતી અને પોલીસ તપાસ આગળ વધી છે.
• શ્રમણો માઈક અને મોબાઈલ-લેપટોપનો ઉપયોગ કરી શકે નહીંઃ આચાર્ય વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં પાલિતાણા ખાતે યોજાયેલા બે તિથિના તપાગચ્છીય શ્રમણ સંમેલનની સમાપન સભામાં જૈન સંઘમાં શાસ્ત્રને આધારે સર્વાનુમતિથી લેવામાં આવેલા ૭૮ નિર્ણયોની ઉદ્ઘોષણા થઇ હતી. જેને ૪૫ આચાર્ય ભગવંતો અને ૧૯૦૦ સાધુ-સાધ્વીજીઓનું સમર્થન મળ્યું હતું. જેમાં શ્રમણોથી માઇક-મોબાઇલ-લેપટોપ જેવા સાધનોનો ઉપયોગ કરી શકાય નહીં તેવા ઠરાવ કરાયા હતા. ધાર્મિક સમારંભોમાં ભોજન વ્યવસ્થામાં ડિસ્પોઝેબલ ગ્લાસ-ડિશના ઉપયોગ પર પ્રતિબંધ પણ મુકાયો હતો. ઉપરાંત હાઇવે પર હવે નવા તીર્થો ન બનાવવા, પૂજા અને નવા બનતા જિનમંદિર અને મૂર્તિઓમાં શાત્રોકત પદ્ધતિ જ સાચવવી, પ્રાચીન તીર્થોના બિનજરૂરી જિર્ણોદ્ધાર પર પ્રતિબંધ સહિતના મહત્ત્વના ઠરાવો પણ થયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter