રાજકોટવાસી ઉદ્યોગપતિ નરેશ પટેલનું નામ ગુજરાતમાં ઉદ્યોગ અને સમાજ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લા કેટલાક વર્ષથી પાટીદાર સમાજમાં ખોડલધામના પ્રણેતા તરીકે તેઓ વધુ પ્રચલિત બન્યા છે. તેઓ કોઇપણ કામ જુદી રીતે કરે છે અને જે કરે છે એ મોટાપાયે જ કરે છે. ૧૧ જુલાઇ તેમને ૫૦ વર્ષ પુર્ણ થયા અને વન પ્રવેશ કર્યો. આ દિનની ઉજવણી તેમણે અનોખી રીતે કરી હતી. આ નિમિત્તે રાજકોટના સરદાર પટેલ ભવનમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો અને પછી સામાજિક સંસ્થાઓને સહાય કરવા માટેનાં કાર્યક્રમમાં દાતાઓએ દાનનો ધોધ વહાવ્યો હતો. જેમાં ૫૧ લાખનું દાન નરેશ પટેલ દ્વારા થયું હતું. નિરમાના કરસનભાઈ પટેલે પણ રૂ. ૫ લાખનું દાન જાહેર કર્યું હતું અને જોતજોતામાં તો રૂ. સવા કરોડનું દાન એકત્ર થયું હતું. આ દાન સૌરાષ્ટ્રની અનેક સામાજિક સંસ્થાઓને ફાળવાશે. જ્યારે ૧૦૦૮ બોટલ રક્તદાનના ટાર્ગેટની સામે અંદાજે ૧૪૦૦ બોટલ રક્ત એકત્ર થયું હતું.
તરૂણીનું અપહરણ કરનારો શખસ ૩૧ વર્ષે ઝડપાયોઃ જામનગર જિલ્લાના જામજોધપુરમાંથી લોહાણા વેપારીની પુત્રીનું ૩૧ વર્ષ અગાઉ અપહરણ કરી ફરાર થયેલા શખસને પોલીસે અમદાવાદમાંથી ઝડપ્યો છે. ઘટનાની વિગતો મુજબ વર્ષ ૧૯૮૪માં જામજોધપુરના લોહાણા વેપારી વૃજલાલ રાજાણીની તરૂણ પુત્રીનું હિદાયતઅલી અહેમદ રજાખાન પઠાણ નામનો શખસ અપહરણ કરી ભગાડી ગયાના બનાવથી અત્યાર સુધી નાસતો ફરતો હતો. દરમિયાન જામનગર પોલીસને મળેલી બાતમીને આધારે અમદાવાદના જે. બી. નગરમાં રહી ડ્રાઈવિંગ કામ કરતાં હીદાયત અલીને ઝડપી લઈ જામજોધપુર પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો. પૂછપરછમાં તેની વધુ પૂછપરછમાં આ દંપતીને બે પુત્ર તથા બે પુત્રી હોવાનું તથા ચારેય સંતાનો પરિણિત હોવાનું ખૂલ્યું હતું.
એનઆરઆઈની જમીન વેચનાર ભાઈ સામે ફરિયાદઃ ખંભાળિયાઃ દ્વારકાના આરંભડા ગામે જયઅંબે સોસાયટીમાં રહેતા કરણભાઈ હરસુખભાઇ ચાનપાએ ગામમાં રહેતા દાઉદ જુમા પંજવાણી અને અતુલ ભટ બીજાની જમીનના બોગસ દસ્તાવેજ બનાવી વેચી ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસની તપાસમાં બોગસ દસ્તાવેજ બનાવી જમીન વેચનાર દાઉદ જુમા પંજવાણી નામના શખસના વર્ષોથી પાકિસ્તાનમાં રહેતા ભાઈ મામદ ઈકબાલની દ્વારકાના ગઢેચી ગામે આશરે બાર એકર જમીન આવેલી છે. જેનો જમીન હક કમી કરવા માટે દાઉદ જુમા પંજવાણીએ રૂ. ૨૦ના સ્ટેમ્પ પેપર ઉપર ખોટું સોગંદનામું કરાવી આરભંડાના કરણભાઈ ચાનપાને વેચી હતી. આ જમીન ઉપર બેંકમાંથી લોન પણ લેવામાં આવી હોવાનું ખૂલ્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
૨૪૧૦ કાવ્યોનું પઠન કરીને નવો રેકોર્ડ કર્યોઃ જામનગરવાસીઓ વારંવાર નવા રેકોર્ડ બનાવતા હોય છે અને તેની નોંધ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્ઝમાં કરાવે છે. જામનગરના કેટલાક વિદ્યાર્થીઓએ હવે એક નવો રેકોર્ડ કર્યો છે. ૧૦ જુલાઇના રાત્રે ૧૨ કલાકથી ૧૨ જુલાઇએ સવારે નવ કલાક સુધી સળંગ ૨૩ કલાક ૨૨૫ જેટલા વિદ્યાર્થીઓએ ગુજરાતી ભાષાના વિવિધ ૨૪૧૦ કાવ્યો રજૂ કરીને ઈન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી કરાવી છે. ભાણવડ તાલુકામાં આવેલા પુરુષાર્થ શૈક્ષણિક સંકુલના પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ અંગે શાળાના સંચાલક ભીમસિંહભાઈ કરમુરે કહ્યું હતું કે, અગાઉ ૧૩૫ વિદ્યાર્થીઓએ ૧૭૩૫ કાવ્યોના પઠન દ્વારા રેકર્ડ સ્થાપિત કર્યો હતો. પરંતુ અમારા વિદ્યાર્થીઓ એ રેકોર્ડ તોડ્યો છે.
પથ્થરની ખાણમાં હજારો વૃક્ષોનું વાવેતરઃ પોરબંદર પાસેના માધવપુરમાં ધ્યાન અને યોગના માધ્યમથી ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરીને એક આધેડ વ્યક્તિ શ્રમયજ્ઞની સાથે આધ્યાત્મિક સાહિત્યનું સર્જન કરે છે. ૮૮ વર્ષના આ વૃદ્ધે છેલ્લા ૭ વર્ષમાં પથ્થરની પડતર ખાણમાં અંદાજે નવ હજાર વૃક્ષો વાવવાની સાથોસાથ જળસંચયના કારણે દરિયાઇ ખારાશ અટકાવવાનો સફળ પ્રયોગ કર્યો છે. માધવપુરમાં વર્ષોથી ઓશો આશ્રમ તરીકે ઓળખાતી જગ્યાનું સંપૂર્ણ સંચાલન કરતા બ્રહ્મવેદાંતજી આટલી મોટી ઉંમરે યુવાનો કરતા પણ વધુ સ્ફૂર્તિ ધરાવે છે જાતે કલાકો સુધી શ્રમયજ્ઞ કરે છે. ખાણમાં પથ્થરમાં ટાંકણાથી પ્રાણ પુરીને અદ્ભુત મૂર્તિઓ સર્જવાની સાથોસાથ અવનવા ચિત્રો દોરવા, ગીત-સંગીતના માધ્યમથી અને ગાયનથી સૌને મંત્રમુગ્ધ કરવા જેવી અનેકવિધ પ્રવૃતિઓ પણ તેઓ કરે છે.