વેરાવળઃ રમજાન માસ નિમિત્તે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સદભાવપૂર્ણ વ્યવહારના ભાગરૂપે પાકિસ્તાનની જેલમાં છેલ્લા એકથી બે વર્ષ પૂરાયેલા ૧૧૩ ભારતીય માછીમારોને મુક્ત કરાતાં તેઓ વાઘા બોર્ડર થઇને રેલવે માર્ગે વડોદરા અને ત્યાંથી ખાસ બસ દ્વારા મંગળવારે બપોરે વેરાવળ આવ્યા હતા. અહિ તેમના પરિજનો સાથે થયેલા પુનર્મિલન વખતે લાગણીશીલ દૃશ્યો સર્જાયાં હતાં. ૨૨ મહિના સુધી પાકિસ્તાનની લાંડી જેલમાં રહીને પરત આવેલા મૂળ ઉત્તરપ્રદેશના રૂઝવાખાન શેખે (ઉ.વ.૨૮) જણાવ્યું હતું કે, ૩૨ ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ અમે જખૌથી દરિયામાં માછીમારી કરવા માટે નીકળ્યા હતા પાકિસ્તાની મરીન પોલીસે અમારું અપહરણ કર્યું હતું. જેલમાં અમને લોકોને પાંચ દિવસ સુધી પટ્ટા વડે રોજ માર મારવામાં આવતો હતો. ઉના તાલુકાના કરેણી ગામના દેવાભાઈ દેગણીએ જણાવ્યું હતું કે, અમને દિવસમાં માત્ર પાંચ રોટલી ખાવા માટે મળતી હતી. પાકિસ્તાનની જેલમાં છેલ્લા ત્રણ વર્ષથી સડતા ૩૮ લોકોને જોઈને આવ્યો છું. તેમનું નામ કોઈ યાદીમાં આવતું જ નથી. તેઓ બધા ભારત પાછા ફરવાની આશાએ જ જીવી રહ્યા છે.
કોડિનારના વેલણ ગામનો નથુભાઇ કાળુભાઈ સેવરા જણાવે છે કે, પાકિસ્તાની પોલીસ અમને કહેતી હતી કે, અમે તો તમને છોડવા માટે તૈયાર છીએ પરંતુ તમારી સરકાર જ તમારી માગણી કરતી નથી. ઉત્તરપ્રદેશના રોહિત ગરીબદાસ વર્મા(ઉ.વ.૨૮)એ જણાવ્યું હતું કે, અમને પકડ્યા બાદ ખૂબ માર મારવામાં આવ્યો હતો. કોર્ટે અમને પાંચ મહિનાની જેલની સજા અને રૂ. એક હજારનો દંડ કર્યો હતો. મારો પરિવાર મારા વિના ૨૨ મહિના સુધી રામભરોસે જ રહ્યો હતો. હવે આ માછીમારો બીજો કોઇ કામ-ધંધો શોધી તેમાં રોજગારી મેળવશે પણ માછીમારી નહીં કરે, તેવું જણાવે છે.