પાલિતાણાઃ જાણીતા જૈન યાત્રાધામ પાલિતાણાથી થોડા દિવસ પહેલા એક સાધ્વીજી મ.સા.ગુમ થયાની જાણ કરતી નોંધ પોલીસમાં થઈ હતી. પોલીસ તપાસ દરમિયાન સાધ્વીજી મ.સા.ને તેમને રાજસ્થાનનાં ઉદયપુરની હોટેલમાંથી પ્રેમી અરુણ જૈન સાથે ઝડપી લઈને પાલિતાણા લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાધ્વીજીએ પ્રેમસબંધ હોઈ સંસારી જીવન જીવવા માગું છું તેમ પોલીસ પૂછતાછમાં જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા પ્રમાણે આશરે નવેક વર્ષ પૂર્વે આશાબહેન મદનલાલ રાઠોડ નામની સુરતની યુવતીએ જૈનધર્મ અંગીકાર કરી દીક્ષા લઈને સાશ્વતરત્નાશ્રીજી મ.સા.નામ ધારણ કર્યું હતું. દરમિયાનમાં પ.પૂ. હિમાલયશ્રીજી સમુદાયના આ સાધ્વી છ દિવસ પહેલાં સુરતથી વિહાર કરીને તળેટી રોડ ઉપર આવેલ મેવાડ ભુવન ધર્મશાળામાં ઉતર્યાં હતાં, જે ત્રણેક દિવસ પૂર્વે સવારના પાંચ વાગે મેવાડ ભુવન ધર્મશાળાથી શેત્રુંજય ડુંગરની યાત્રા કરવા ગયા બાદ લાપતા થયાં હતાં. પાલિતાણા પોલીસે પૂર્વ બાતમીના આધારે રાજસ્થાનના ઉદયપુર શહેરની પારસનાથ હોટેલમાં તપાસ કરતાં સાશ્વતરત્નાશ્રીજી મ.સા. (ઉંમર ૩૦) તેના પ્રેમી અરુણ જૈન સાથે ઝડપાયાં હતાં. પોલીસે બંનેની અટક કરી પાલિતાણા પોલીસ સ્ટેશનમાં લઈ આવી પૂછતાછ કરતાં અરુણ જૈન ધર્મનો અભ્યાસ કરવા માટે આવ્યો હતો ત્યારે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.