અમરેલીઃ અમરેલી જિલ્લામાં જળ હોનારત બાદ ભાજપ-કોંગ્રેસ વચ્ચેનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા છેલ્લા નવ દિવસથી ઉપવાસ આંદોલન રાહત પેકેજ મુદ્દે ચાલી રહ્યું છે. ભાજપે તેને એક પ્રકારનો રાજકીય સ્ટંટ ગણાવ્યું છે. મંગળવારે કોંગ્રેસ દ્વારા અમરેલી જિલ્લા બંધનું એલાન અપાયું હતું, જે મહદઅંશે સફળ રહ્યું હોવાનું કહેવાય છે. સવારમાં અમરેલી અને સાવરકુંડલાની બજારો બંધ જોવા મળી હતી અમરેલી શહેરના વેપારીઓ સજ્જડ બંધમાં જોડાયા હતા. જોકે, ગુજરાત સરકારે મંગળવારે સાંજે અમરેલી, ગોંડલ, ગિર સોમનાથ, ભાવનગર સહિત સમગ્ર રાજયના અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત ખેડૂતો અને લોકો માટે રૂ. ૩૦૦ કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે.
૨૪ જૂનના રોજ અમરેલી જિલ્લામાં ત્રાટકેલી આકાશી સુનામીના કારણે લાખો લોકો નિ:સહાય બનતાં આવા અસરગ્રસ્તો માટે ગુજરાત સરકાર દ્વારા ખાસ રાહત પેકેજ જાહેર કરવામાં ન આવતા અમરેલીના યુવાન ધારાસભ્ય પરેશ ધાનાણી નવ દિવસથી શહેરનાં ડો. જીવરાજ મહેતા ચોકમાં આમરણાંત ઉપવાસ બેઠા છે. આ જળ હોનારતને ૨૦ દિવસ વિતી ગયા છતાં પણ રાજ્ય સરકાર દ્વારા હજુ પણ રાહત પેકેજ જાહેર કરવામાં ન આવતા અસરગ્રસ્તોમાં વિરોધ ઉઠ્યો હતો.