પોરબંદરઃ પાકિસ્તાન સાથેની દરિયાઇ સરહદે વધતા જોખમને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી રહી છે. આ માટે પોરબંદર નજીક નૌકાદળ નવું મથક સ્થાપવા જઈ રહ્યું છે. જેને આઈએનએસ સરદાર વલ્લભભાઈ પટેલ નામ અપાશે.
ગુજરાતના દરિયા કાંઠે નૌકાદળના આ બીજા મથકને ૯ મેના સંરક્ષણ પ્રધાન મનોહર પારિકર અને મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ કાર્યારત કરાવશે. નૌસેનાની પશ્ચિમ પાંખના જનસંપર્ક અધિકારી રાહુલ સિંહાએ જણાવ્યું હતું કે આપણા પશ્ચિમી દેશો સાથેનો આ દરિયાઇ વિસ્તાર નૌકાદળ માટે ખૂબ મહત્ત્વનો છે. આ ઘટનાક્રમને પગલે આપણા જહાજો ગમે ત્યારે ઉપયોગમાં લઈ શકાશે અને યુદ્ધજહાજો સજ્જ કરી શકાશે. દ્વારકા જિલ્લાના ઓખાસ્થિત આઈએનએસ ઉપરાંત ગુજરાતમાં આ બીજું નૌકાદળ મથક બન્યું છે.
ઓખામાં મથક હોવા છતાં પણ પશ્ચિમી કાંઠાળ વિસ્તારમાં સતર્ક જાપ્તાનો વ્યાપ વિસ્તારવા માટે હજુ બીજા મથકની જરૂર હતી, તેવું સિંહાએ કહ્યું હતું.