પોરબંદરથી મુંબઈની એક માત્ર જેટ ફ્લાઈટ પણ અટકી જશે!

Wednesday 20th January 2016 06:38 EST
 

સૌરાષ્ટ્રનું એકમાત્ર સૌથી અદ્યતન અને તમામ સુવિધાઓ સાથેનું વિશાળ જગ્યામાં કરોડોના ખર્ચે બનેલું સંપૂર્ણ વાતાનુકુલિત પોરબંદરનું એરપોર્ટ ૨૬ માર્ચ પછી સૂમસામ થઈ જશે તેવું જણાઈ રહ્યું છે. કેમકે પોરબંદર આવતી અને મુંબઈ જતી એકમાત્ર જેટ એરવેઝની વિમાની સેવાને બંધ કરવાની હિલચાલ તાજેતરમાં શરૂ થઈ છે અને સ્વાભાવિક રીતે પોરબંદરનો વિકાસ પણ વિમાની સેવા સાથે જોડાયેલો હોવાથી સ્થાનિક વેપારી સંસ્થાઓ સહિત સંસ્થાઓએ આ સેવાને બંધ નહીં કરવા માટે રજૂઆત કરી છે.

• સૌરાષ્ટ્રની સોની બજારો અડધો દિવસ બંધ રહીઃ કેન્દ્ર સરકાર દ્વારા રૂ. બે લાખથી વધારાની કિંમતની જ્વેલરીની ખરીદી વખતે ગ્રાહક દ્વારા ફરજિયાત પાન નંબર આપવાના નિયમનો રાજકોટના સોની વેપારીઓ દ્વારા પ્રચંડ વિરોધ થયો છે. આ અનુસંધાને ૧૮મી જાન્યુઆરીએ સોની બજાર અડધો દિવસ બંધના એલાનને જોરદાર સફળતા સાંપડી હતી.

• છાત્રોએ ખિસ્સા ખર્ચમાંથી વૃદ્ધાશ્રમમાં વસ્તુઓ આપીઃ જૂનાગઢ પટેલ કેળવણી મંડળ સંચાલિત એન. પી. ભાલોડિયા હાઇસ્કૂલના છાત્રોએ શહેરના વૃદ્ધાશ્રમની મુલાકાત લઈને ઉત્તરાયણ નિમિત્તે પોતાના ખિસ્સા ખર્ચની રકમમાંથી વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો માટે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ જેવી કે પંખા અને લાઇટ ખરીદીને વૃદ્ધાશ્રમને અર્પણ કરી હતી. ધોરણ નવના વિદ્યાર્થીઓને આવું ઉમદા કાર્ય કરવા માટે શાળાના શિક્ષકો અને સંચાલકોએ પ્રોત્સાહન આપ્યું હતું એવું વિદ્યાર્થીઓના વાલીઓનું કહેવું છે.
• બ્રહ્મસમાજના ઉચ્ચ અધિકારીઓએ એમ્બ્યુલન્સ દાન આપીઃ રાજકોટથી કાર્યરત બ્રહ્મસમાજના સૌરાષ્ટ્ર સહિત ગાંધીનગર સચિવાલય સુધીના વિભાગમાં તેમજ પોલીસ અને રેવન્યુમાં ફરજ બજાવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનું વોટ્સઅપ ઉપર શિવ ગ્રૂપ કાર્યરત છે. જેમાં ખૂબ જ ઉચ્ચ હોદ્દા ઉપર ફરજ બજાવી રહેલા બ્રહ્મસમાજના અધિકારીઓ જોડાયેલા છે. આ ગ્રૂપ સોશિયલ મીડિયાનો સદ્ઉપયોગ કરીને સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં વિશ્વાસ ધરાવે છે. અને નવી જ પ્રકારની ઉત્તમ માહિતીઓ શેર કરતું હોય છે. તાજેતરમાં આ સંસ્થાના અધિકારીઓએ અંદાજે રૂ. ૧૩ લાખના ખર્ચે બે એમ્બ્યુલન્સ વાન વસાવી છે અને તેનું સૌરાષ્ટ્રની બે સંસ્થાઓને અનુદાન આપ્યું છે.
• દોશી હોસ્પિટલમાં બોમ્બની ધમકીઃ રાજ્યના એસ. ટી. બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને ધાર્મિક સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બદલ થોડા સમય પહેલાં જ વડોદરાના શ્રેયસ શાહ નામના શખસની ધરપકડ બાદ જાણવા મળ્યું હતું કે તે માનસિક રીતે અસ્વસ્થ હોઈ આ કૃત્ય કરતો હતો. એ પછી હવે નામાંકિત હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો સિલસિલો શરૂ થયો છે. રાજકોટની જી. ટી. શેઠ હોસ્પિટલમાં બોમ્બ મુકાયાની ઘટના બાદ એચ. જે. દોશી હોસ્પિટલમાં બોમ્બ મુકાયાની ધમકી ૧૮મી જાન્યુઆરીએ મળી હતી. જોકે, પોલીસની તપાસ દરમિયાન કંઇ વાંધાજનક નહીં મળતાં તંત્રે હાશકારો અનુભવ્યો હતો.
• જશાપુરના નિવૃત્ત શિક્ષકોએ વાચનાલય શરૂ કર્યુંઃ માળિયા મિંયાણા જશાપર ગામના સવજીભાઈ કાનગઢ અને વાલજીભાઈ ચાવડા બંને નિવૃત્ત શિક્ષકે ગામમાં બંધ પડેલી ઓરડીને સમારકામ કરાવી યુવાનોને સારા સંસ્કાર મળે તેમજ જ્ઞાનમાં વધારો થાય તેવા
હેતુથી વાંચનાલયની શરૂઆત કરી હતી. તાજેતરમાં દરરોજ સવારે યુવાનો આવી અખબારોનું અને અલક-મલકના પુસ્તકોના વાંચનનો લાભ લે છે.
• રણમલ તળાવ બ્યુટિફિકેશન સહિતના વિકાસ કામોનું ઉદ્ઘાટનઃ રાજ્ય સરકારની આર્થિક સહાયથી મહાપાલિકા દ્વારા રણમલ તળાવ બ્યુટીફિકેશન પ્રોજેક્ટ સહિતના કરોડોના ખર્ચે તૈયાર થયેલા વિકાસકામો ઉપરાંત અન્ય સ્તરે નિમિત્ત અન્ય વિકાસ કામોનું રાજ્યના મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલના હસ્તે ૨૧મી જાન્યુઆરીના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
• જૂનાગઢમાં ઓવરબ્રીજ-આવાસ માટે રૂ. ૯૦૦ કરોડની દરખાસ્તઃ જૂનાગઢ મહાનગરમાં પાંચ ઓવરબ્રિજો, ભૂગર્ભ ગટ્ટર યોજના અને આવાસ યોજના માટે રૂ. ૯૦૦ કરોડની મનપાએ સરકાર સમક્ષ દરકાસ્ત રજૂ કરી છે. આ દરખાસ્તને મંજૂર કરવા મેયર જીતુભાઈ હિરપરાએ રાજ્યના નાણાં પ્રધાન સૌરભભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરી છે.
• સાંદિપની આશ્રમમાં ઋષિકુમારોએ ૩૩માં વાર્ષિકોત્સવ ઉજવ્યોઃ ત્રણ દાયકા કરતાં વધુ સમયથી બ્રહ્મયુવાનોમાં ઉચ્ચ સંસ્કાર, શિક્ષણ અને ચારિત્ર્યનું ઘડતર કરતા સાંદિપની શૈક્ષણિક સંકુલમાં ૩૩માં વાર્ષિકોત્સવનું તાજેતરમાં રંગેચંગે સમાપન થયું હતું. કાર્યક્રમ દરમિયાન સાંદિપની શ્રી હરિ મંદિરના ઓડિટોરિયમ હોલ ખાતે ત્યાંના ઋષિકુમારોએ ૩૩માં વાર્ષિકોત્સવ નિમિત્તે નાટક સહિતની અવનવી કૃતિઓ રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter