બાબુભાઇ બોખીરિયાએ અડવાણા દત્તક લીધુંઃ

Monday 18th May 2015 10:47 EDT
 

કેબિનેટ પ્રધાન બાબુભાઈ બોખીરિયાએ પોરબંદરનું અડવાણા ગામ દત્તક લીધું છે. તેના વિકાસ માટેની પ્રક્રિયા કઈ રીતે આગળ વધારવી? તે માટે બેઠકનું આયોજન ગત સપ્તાહે અડવાણાના મહેર સમાજમાં કરવામાં આવતા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અડવાણામાં ૫૦૦૦ની વસતિ છે અને ત્યાં ૧૫૦ જેટલા નવા શૌચાલયો બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે છે. આ ઉપરાંત નાના ગામમાં રોડ, પીવાના પાણીની સુવિધા, આરોગ્ય, શિક્ષણ, પશુપાલન-ખેતી ઉપરાંત વેપાર-ધંધા માટે પણ અનેક સગવડો હોવાના કારણે હજુ વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે જેથી અડવાણાના વિકાસ થશે તેવી બેઠકમાં ચર્ચા થઇ હતી.

કૈલાશ ગુરુકુળમાં સદભાવના પર્વ યોજાશેઃ મહુવા-કૈલાસ ગુરુકુળમાં વર્ષ દરમિયાન જુદા-જુદા પર્વો-સત્રો-અવસરોનું આયોજન થાય છે. એ શ્રેણીમાં આ વર્ષનું સાતમું સદ્ભાવના પર્વ મોરારિબાપુના સાન્નિધ્યમાં ૪થી ૬ જૂન દરમિયાન યોજાશે. ‘સદ્ભાવના ફોરમ’ પ્રેરિત આ પર્વમાં ‘ભારતીયતાની વિભાવના’ એ વિષયને કેન્દ્રસ્થ વિવિધ ક્ષેત્રના તજજ્ઞો કુલ સાત બેઠકમાં વ્યાખ્યાનો આપશે. પર્વના ત્રીજા-છેલ્લા-દિવસે ગુજરાત અને ભારતના બે કર્મશીલોને મોરારિબાપુના હસ્તે ‘સદ્ભાવના એવોર્ડ’ અર્પણ કરાશે. જાણીતા કર્મશીલ અને ‘નયામાર્ગ’ના તંત્રી ઇન્દુકુમાર જાનીને તથા ફિલ્મ સર્જક આનંદ પટવર્ધનનો સમાવેશ થાય છે. પર્વમાં આ વખતે વરિષ્ઠ પત્રકાર સઇદ નકવી, લેખક અને પત્રકાર દીપક સોલિયા, ગાંધીવાદી કર્મશીલ પી. રાજગોપાલ, વરિષ્ઠ ગાંધીજન ડો. એસ.એન. સુબ્બારાવ, જાણીતા કર્મશીલ અરુણા રોય તથા કર્મશીલ ફિલ્મ સર્જક આનંદ પટવર્ધન વગેરે જેવા વક્તાઓ ભારતીયતાની વિભાવના સંદર્ભે પોતાના વિચારો પ્રસ્તુત કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter