ભાદર નદીનો પુલ તૂટ્યાને નવ મહિના પછી પણ જૈસે થે

Wednesday 25th November 2015 07:48 EST
 

પોરબંદરઃ માધવપુર હાઈવે ઉપર પોરબંદરથી ૩૦ કિ.મી. દૂર વચ્ચોવચ્ચ નવીબંદર ગામ પાસેનો ભાદર નદીનો પુલ આશરે ૭ એપ્રિલ, ૨૦૧૫ના રોજ રાત્રે તૂટી પડ્યાના નવ મહિના પછી પણ આજે પુલની જૈસે થે પરિસ્થિતિ જોવા મળે છે. આ મામલે ગ્રામજનોની મુશ્કેલીઓ વધી ગઈ છે તેમ છતાં તંત્ર દ્વારા નક્કર કામગીરી કરવામાં નહીં આવતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદરથી સોમનાથ તરફ જતો આ કોસ્ટલ હાઈવે વાહનોથી સતત ધમધમતો રહે છે પરંતુ પુલ તૂટી જવાના કારણે વાહન વ્યવહાર નવ મહિનાથી સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. વૈકલ્પિક રસ્તા ઉપરથી નાના વાહનો પસાર થાય છે, પરંતુ ભારે વાહનોને પ્રવેશબંધી હોવાથી હજારો લોકોને કુતિયાણા તરફ થઈને કિલોમીટરનો ફેરો ફરવો પડે છે.

• ગિરનાર પરિક્રમામાં ભાવિકો ઉમટ્યાઃ ગિરનાર ફરતેની લીલી પરિક્રમાનો ૨રમી નવેમ્બરથી વિધિવત પ્રારંભ થયાના બેજ દિવસમાં આઠ લાખથી વધુ ભાવિકોએ યાત્રા પૂરી કરી છે અને ૧.૪૪ લાખથી વધુ યાત્રાળુઓએ ગિરનાર સર કર્યો હોવાના સમાચાર છે. દર વર્ષે દેવદિવાળીથી યોજાતી ગિરનારની પરિક્રમાનો પ્રારંભ આ વર્ષે ૨૨મી નવેમ્બરની રાત્રે ૧૨ના ટકોરે ભવનાથના સંતો-મહંતોએ કરાવ્યો હતો. ભવનાથમાં દૂધેશ્વર મહાદેવ પાસેથી શરૂ થયેલી પરિક્રમાના પ્રારંભ અગાઉ પરંપરા મુજબ સત્યનારાયણ ભગવાનની કથા થઈ હતી. આ પછી દૂધેશ્વર મહાદેવ પાસે આવેલા રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના નવનિર્મિત ગેટ ખાતે શ્રીફળ વધેરી શાસ્ત્રોક્તવિધિ સાથે પરિક્રમાનો પ્રારંભ થયો હતો.

• સોમનાથમાં ‘શ્રીકૃષ્ણ વંદે જગદ્ ગુરુમ’ મહોત્સવઃ સોમનાથ સાંનિધ્યે જે સ્થળેથી શ્રીકૃષ્ણ ભગવાને નિજધામ પ્રસ્થાન કર્યું હતું તે ગૌલોકધામ ખાતે આવેલા શ્રીકૃષ્ણના ચરણપાદુકાના સ્થાને મંદિરનું નિર્માણ કરવાનું સોમનાથ ટ્રસ્ટે નક્કી કર્યું અને નવનિર્માણ થનાર મંદિરનું ૨૫ નવેમ્બરના રોજ સ્વામી જ્ઞાનાનંદ સરસ્વતીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ અવસરે ૨૩થી ૨૫ નવેમ્બર ત્રિદિવસીય શ્રી કૃષ્ણ વંદે જગદ્ ગુરુમ મહોત્સવનું આયોજન વેરાવળ સોમનાથમાં થયું હતું. જેમાં ભારતભરના સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વેરાવળથી સોમનાથ સુધીની શોભાયાત્રા પણ નીકળી હતી.
• ગોરડકામાં શિવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવઃ ગઢડાના ગોરડકા સમસ્ત ગામ પરિવારે તાજેતરમાં રૂ. ૩૦ લાખથી વધુના ખર્ચે અતિ પ્રાચીન ખંડેશ્વર મહાદેવ શિવમંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે. મંદિરમાં ભગવાન શિવની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ૨૬મી નવેમ્બરના રોજથી ત્રણ દિવસ માટે ધામધૂમપૂર્વક ઉજવાશે.
• મોરબીના મચ્છુ ડેમમાં નીર છલકાયાઃ અપૂરતા વરસાદને કારણે સૌરાષ્ટ્રના ડેમોમાં પૂરતાં પાણી ન આવવાથી રાજ્ય સરકારે નર્મદાના નીરથી આ જળાશયોને છલકાવ્યાં છે. આ યોજના અંતર્ગત મોરબીના મચ્છુ-૨ ડેમ સુધીની કેનાલ બનાવવાનું કામ પૂર્ણ થઈ જતાં ૧૯મી નવેમ્બરથી કેનાલ મારફતે મચ્છુ-૨ ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે. દસ દિવસમાં મોરબીને બે માસનું પાણી મળે એટલો જથ્થો ઠલવાઈ જશે તેવું સરકારનું વચન છે.
• બૌદ્ધ ગુફાના વિકાસ માટે અરજીઃ ખંભાલીડામાં આવેલી આશરે ૧૮૦૦ વર્ષ જૂની બૌદ્ધ ગુફાની મુલાકાતે દેશ-વિદેશથી અભ્યાસુઓ અને પ્રવાસીઓનો સતત ધસારો રહે છે, પરંતુ ગુજરાતના અન્ય પ્રવાસન સ્થળને વિકસાવવા જેટલી તકેદારી લેવાય છે એટલી આ ગુફાના વિકાસ માટે લેવાતી નથી તેવું જયાબહેન ફાઉન્ડેશનનું કહેવું છે. ફાઉન્ડેશને હાલમાં સ્થાનિક સત્તા અને રાજ્ય સરકારને અરજી કરી છે કે બૌદ્ધ ગુફાની બાજુમાં જ આવેલા બૌદ્ધ સ્થાપત્યને આશરે રૂ. ૧૫ કરોડના ખર્ચે વિદેશી ડિઝાઈન પ્રમાણેનું પ્રવાસન સ્થળ બનાવાઈ રહ્યું છે ત્યારે બૌદ્ધ ગુફા પરિસરનું પણ સમારકામ કરવામાં આવે.
• પોરબંદરમાં ખાદી અને હસ્તકલાની ચીજવસ્તુઓનું જંગી વેચાણઃ મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં રૂ. ૮૦ લાખનું ખાદી અને હસ્તકલાની ચીજવસ્તુઓનું છેલ્લા એક મહિનામાં વેચાણ થતાં સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના પ્રમુખ દેવેન્દ્રભાઈ દેસાઈએ ખુશી વ્યક્ત કરી હતી સાથે ગુજરાત ખાદી બોર્ડને લેણાં નીકળતાં નાણાં ચૂકવવાની બાંયધરી આપી હતી. ઉલ્લેખનીય છે કે આખા દેશમાં ખાદીના વેચાણમાં ગુજરાત અને પોરબંદર મોખરે રહ્યા છે. દેસાઈ મુજબ, આ વર્ષે ખાદીનું વેચાણ વધ્યું તેમાં હિસ્સો યુવાધન વિશેષ ફાળો છે. યુવક-યુવતીઓ ખાદી પહેરતાં થયા છે. તેમાં પણ ખાદી જીન્સ (ડેનિમ)નો વધુ ઉપાડ થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter