નવી દિલ્હીઃ ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલયે તાજેતરમાં કરેલા એક સર્વેમાં તારણ મળ્યું કે દેશભરમાં સૌથી વધારે ટૂ-વ્હીલર રાજકોટમાં છે. આંકડાની દૃષ્ટિએ જોઈએ તો રાજકોટમાં ૩૮.૩૯ ટકા લોકો ટૂ-વ્હીલર પર જવાનું પસંદ કરે છે જે આખા દેશનો સૌથી હાઇએસ્ટ આંકડો છે.
રાજકોટમાં છેલ્લા એક વર્ષમાં સૌથી વધારે ટૂ-વ્હીલર ખરીદવામાં આવ્યા છે. રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (આરટીઓ)એ આપેલા આંકડા મુજબ છેલ્લા બાર મહિનામાં રાજકોટમાં ૯૭,૦૦૦થી પણ વધારે ટૂ-વ્હીલરનું રજિસ્ટ્રેશન થયું છે. એક જ ઘરમાં એકથી વધારે ટૂ-વ્હીલર હોય એ બાબતમાં પણ રાજકોટ દેશમાં સૌથી આગળ છે. રાજકોટમાં ૨૭.૩ ટકા ઘરોમાં બેથી વધારે ટૂ-વ્હીલર છે.
રાજ્યોની વાત કરીએ તો દેશ આખામાં સૌથી વધુ દ્વીચક્રી વાહનો ગોવા રાજ્યમાં છે. ગોવામાં ૨૩.૯૬ ટકા લોકો ટૂ-વ્હીલર વાપરે છે. ગોવામાં પેટ્રોલ-ડીઝલનો ભાવ સૌથી ઓછો હોવાથી ત્યાં વ્હીકલ સૌથી વધારે છે એવું સર્વેમાં જાણવા મળ્યું હતું. જ્યારે ગુજરાતના લોકોને કાર ચલાવવાનો કંટાળો આવતો હોવાથી ટૂ-વ્હીલર ચલાવવામાં ગુજરાત બીજા નંબરે છે. ગોવા પછીના નંબરે આવતા ગુજરાતમાં ૨૨.૫૮ ટકા લોકો ટૂ-વ્હીલર ચલાવે છે.
ગુજરાતમાં સૌથી આગળ રાજકોટ છે તો બીજા નંબરે વડોદરા, અમદાવાદ, સુરત અને ગાંધીનગર છે. ટૂ-વ્હીલરના આંકડાની બાબતમાં રાષ્ટ્રીય સ્તરની ટકાવારી બહુ ઓછી માત્ર ૧૨.૨૧ ટકા છે.