ભારતીય ગૌવંશ પાલનમાં બ્રાઝીલ ભારત કરતાંય આગળ છે. એવી જાણકારી ત્યારે મળી જ્યારે બ્રાઝીલના પશુ વૈજ્ઞાનિક જોય ઓટાપીઓ લેમોસે પોતાના સંશોધનના ભાગરૂપે સૌરાષ્ટ્રની મુલાકાત લીધી. બ્રાઝીલમાં ભારતીય ગૌવંશની સંખ્યા ૨૧.૪૦ કરોડ છે તેવું બ્રાઝીલના પશુ વૈજ્ઞાનિકે જણાવ્યું હતું.
જોય ગૌવંશ ઉપર ‘કામધેનુ’ નામનું એક પુસ્તક તૈયાર કરી રહ્યા છે. તેઓ પોતાના પુસ્તકમાં વિશ્વની સાત શ્રેષ્ઠ ગોપાલન પદ્ધતિઓને સમાવવા માગે છે તેથી આ વિષયે સંશોધન માટે તેઓ ભારત આવ્યા છે. આંધ્ર પ્રદેશ, રાજસ્થાન પછી તેઓ ગુજરાત આવ્યા અને ૧૭મી ફેબ્રુઆરીએ તેમણે સોરઠની મુલાકાતે હતા.
તેઓએ જૂનાગઢના જામકા ખાતે ગીર ગાય પ્રેમી અને સંવર્ધક પૂર્વ સરપંચ પરસોતમભાઇ સિદ્ધપરાની વાડીની મુલાકાત લીધી હતી અને ગોપાલન વ્યવસ્થા નિહાળી ગીર ગાય સાથે ધૂળેટી રમ્યા હતા. તેઓએ નિહાળ્યું હતું કે, ખેડૂતો ગીર ગાયોનું કેવી રીતે પાલન કરે છે અને તેની જાળવણી કેવી રીતે કરે છે?
સામાન્ય રીતે ગીરની ગાયો માટે ગીર વિસ્તારમાં એક વાડો જ હોય છે અને ગૌશાળા કે પાંજરાપોળ બદલે ખેડૂતો પોતાના ઘરે જ ગાયોને રાખે છે. ઘરઆંગણે ગોપાલનની વ્યવસ્થાથી તેઓ પ્રભાવિત થયા હતા અને ગીર ગાયની ઓલાદોની વિશિષ્ટતા તથા તેના ખોરાક સહિતની વિગતો તેમણે જાણી હતી.
જોયે જણાવ્યું હતું કે, બ્રાઝીલમાં ભારતીય ગૌવંશની સંખ્યા ૧૯૬૫માં ૫.૬ કરોડની હતી તે આજે વધીને ૨૧.૪૦ કરોડ થઇ છે. જ્યારે ભારતમાં આ સંખ્યા ૧૫.૯ કરોડ હતી તે આજે ૧૯.૯ કરોડ થઇ છે.
બ્રાઝીલમાં પાલન થતી હોય તેવી ભારતીય વંશની ઓંગોલ, ગીર, કાકરેજ અને લાલસીધી ગાયોનો સમાવેશ થાય છે. તેનું દૂધ ઉત્પાદન મોટી માત્રામાં છે. ભારતીય વંશની કે એશિયાઈ ગાયોના લાલન પાલન અને વિકાસ માટે સિમેન બેંક, એમરીઓ ટ્રાન્સપ્લાન્ટ જેવી સંસ્થાઓ સારું એવું ધ્યાન પણ આપે છે.