મધમીઠી કેસર કેરીનો પાક લૂમેઝૂમે ઉતરશે

Saturday 27th February 2016 02:45 EST
 
 

રાજકોટઃ કેસર કેરીના સ્વાદશોખીનો માટે ખુશખબર છે. રાજ્યમાં સાનુકૂળ હવામાનના પગલે કેસર કેરીનું ઉત્પાદન છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ ઉતરવાની સંભાવના છે.

જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટીના મતે, કેરીના મોટા ભાગના બગીચામાં ૮૦-૧૦૦ ટકા મોર બેઠો છે અને સારા ફ્રૂટ સેટિંગની પણ શરૂઆત થઈ છે. આમ એકંદર ઉત્પાદનમાં ગયા વર્ષ કરતાં ૨૫થી ૩૦ ટકા વૃદ્ધિની ધારણા છે.
યુનિવર્સિટીના બાગાયત વિભાગના રિસર્ચ સાયન્ટિસ્ટ ડો. આર. આર. વીરડિયાએ જણાવ્યું હતું કે, કેસરનું સૌથી વધુ ઉત્પાદન થાય છે તે તાલાલા વિસ્તારમાં ૧૦૦ ટકા ફ્લાવરિંગ છે અને અન્ય વિસ્તારોમાં ૮૦ ટકા જેટલું ફ્લાવરિંગ છે અને ફ્રૂટ સેટિંગની પણ સારી શરૂઆત જોવા મળી છે.
સાનુકૂળ હવામાનના કારણે ચાર વર્ષ બાદ સૌથી સારું ઉત્પાદન થવાની અપેક્ષા છે. જો માવઠું ના થાય અને તાપમાનમાં અચાનક મોટો વધારો ના થાય તો ગયા વર્ષ કરતાં ૨૫-૩૦ ટકા વધુ ઉત્પાદનની અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં ગુજરાત છઠ્ઠા ક્રમનું કેરી ઉત્પાદક રાજ્ય છે અને ૨૦૧૫માં રાજ્યમાં કુલ ૧૨ લાખ ટનથી વધુ કેરી ઉત્પાદન નોંધાયું હતું, જેમાં કેસર અને આફુસ મુખ્ય છે.
છેલ્લાં ત્રણ વર્ષથી તાલાલા સહિતના કેસર ઉત્પાદક વિસ્તારોમાં પ્રતિકૂળ હવામાનના કારણે વિલંબિત મોર અથવા તો મોર ખરી જવાની સ્થિતિ ઉત્પન્ન થતી હતી. તાલાલા માર્કેટ યાર્ડના સેક્રેટરી એચ. એચ. જારસાણિયાએ જણાવ્યું હતું કે, હાલની સ્થિતિમાં સારું ફ્લાવરિંગ છે, પરંતુ વાતાવરણ સારું રહે તો જ સારું ઉત્પાદન મળી શકશે. હાલની સ્થિતિ જોતાં એપ્રિલ મહિનાના અંત પહેલાં સારી કેરી બજારમાં આવી જશે.
જૂનાગઢ સહિતના કેસર ઉત્પાદક હબમાં પાકતી કુલ કેસર કેરી પૈકી લગભગ ત્રીજા ભાગની કેરી તાલાલા માર્કેટ યાર્ડમાં આવે છે. વર્ષ ૨૦૧૩માં માર્કેટ યાર્ડમાં ૧૦ કિગ્રાનું એક એવા કુલ ૧૧.૪૫ લાખ બોક્સની આવક થઇ હતી, જે ૨૦૧૪ અને ૨૦૧૫માં ઘટીને અનુક્રમે ૯.૪૧ લાખ અને ૭.૧૭ લાખ બોક્સ થઈ હતી. આ વર્ષે માર્કેટ યાર્ડમાં ૧૨ લાખ કરતાં વધુ બોક્સની આવક થવાની ધારણા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter