સાવરકુંડલાઃ સૌરાષ્ટ્રના સાવરકુંડલા હાથસણી રોડ પર આજથી ચાર વર્ષ પહેલાં ભક્તિબાપુએ એક આશ્રમ સ્થાપ્યો હતો અને નામ આપ્યું માનવ મંદિર, પણ આ વિસ્તારમાં આ આશ્રમ પાગલ આશ્રમથી ઓળખાય છે.
સમાજે કોઈ પણ કારણોસર જેને તરછોડી દીધા છે, એવા માનસિક અસ્થિર ભાઈ-બહેનોને અહીં ઘરના બાળકોની જેમ સાચવીને સાજા કરાય છે અને તેઓને સમાજમાં પુનઃજીવન પ્રસ્થાપિત કરે એવા પગભર બનાવવાની કોશિશ થાય છે. અત્યાર સુધીમાં ૧૮ જેટલા ભાઈ-બહેનો માનભેર પોતાના પરિવારમાં પાછા ફર્યા છે.
એક દીકરી મનિષા આજથી આઠેક માસ પહેલાં માનવ મંદિરમાં આવી હતી અને તે સંપૂર્ણ સાજી થતાં તેના લગ્ન સાકરપરાના મૂળ વતની અને સુરત સ્થિત ઉદ્યોગપતિ અશોકભાઈ રાદડિયાના પરિવારમાં તાજેતરમાં થયાં છે.
આ લગ્નને ભક્તિબાપુએ ઐતિહાસિક લગ્ન ગણાવ્યા છે. માનસિક સ્થિરતા ગુમાવ્યા બાદ બાપુ કહે છે કે, સાજી થયેલી દીકરીઓ પોતાના પરિવારમાં જાય છે, પરંતુ કોઈ દીકરીનાં લગ્ન આશ્રમમાં થાય તેવી આ પહેલી ઘટના બની છે. આ વિશેષ લગ્નોત્સવને માણવા અને નવદંપતીને આશિષ આપવા દૂર દૂરથી મહેમાનો આવ્યા હતા.