મોદી સરકારે જમીન સંપાદન ધારામાં ફેરફાર કરતો વટહુકમ જારી કર્યો છે, એ પછી નોડલ એજન્સી ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા ઝડપથી જમીન સંપાદનની કાર્યવાહી હાથ ધરાશે. આ સૂચિત પ્રોજેક્ટ માટે જસાપરા, મીઠી વિરડી, માંડવા અને ખાદરપર ગામોના ૩૦૦ જેટલા ખાતેદાર ખેડૂતોની ૬૦૮ હેક્ટર જમીન સંપાદન થવાની છે, જ્યારે ૧૬૯ હેક્ટર સરકારી જમીન પ્રોજેક્ટ માટે અનામત થઈ ચૂકી છે. બીજી તરફ આ સૂચિત પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ પણ છે. ગયા વર્ષે સરકારી અધિકારીઓ ખેડૂતોને પેકેજ બાબતે સમજાવવા ગયા હતા ત્યારે પણ આ ચારેય ગામોના લોકોએ પ્રોજેક્ટ સામે વિરોધ દર્શાવ્યો હતો. અત્યારે પણ આ ચારેય ગામના સરપંચોએ પ્રોજેક્ટ રદ કરવા બરાક ઓબામાને ખુલ્લો પત્ર લખ્યો છે. જોકે, સૂત્રો કહે છે કે, મોદી સરકારે જમીન સંપાદન ધારામાં કરેલા સુધારાથી પેકેજ કોઈ રીતે ઘટશે નહિં પરંતુ સંપાદનની પ્રક્રિયા ઝડપી બનશે.