સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બીજા તબક્કામાં મોરબી નગરપાલિકાની ચૂંટણીમાં ૧૦૨ વર્ષના નિવૃત્ત શિક્ષિકા જયા બહેન વજેશંકર દવેએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને નિરુત્સાહી મતદારોને મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો. આ બૂથમાંથી સૌથી પહેલો મત તેમનો પડ્યો હતો. મોરબી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. ૫ના મતદાન કેન્દ્ર પર ૧૦૨ વર્ષના જયાબહેન પુત્ર અને પૌત્રના સહારે મત આપવા આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કેટલાક લોકો મતદાનથી વિમુખ થઈ જાય છે, પરંતુ મતદાન આપણો અધિકાર છે. તેમણે પ્રજાના સેવકોને ચૂંટવાનો અધિકાર છે. તેથી દરેક વ્યક્તિએ આ અધિકાર ચૂકવો જોઈએ નહીં.
• પાકિસ્તાન જાણે છે કે હવે યુદ્ધ થશે તો બરબાદ થઈ જશેઃ બિહારના સાસારામ સ્ટેટના પૂર્વ રાજવી અને વાયુસેનાના ભૂતપૂર્વ વિંગ કમાન્ડર એવા પાયલોટ બાબાએ હિમાલયના સિદ્ધ યોગીઓમાં સ્થાન મેળવ્યું છે. તેમને પોતાની તમામ ધનસંપત્તિ દેશને દાનમાં આપી છે અને હવે પોતે વિશ્વ કલ્યાણના કાર્યમાં જોડાઈ ગયા છે. પાયલટબાબાએ રાજકોટ ખાતે ૨૮મી નવેમ્બરે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં પાકિસ્તાન તરફથી છાશવારે કરાતા ઉંબાડીયા અંગે કહ્યું હતું કે, યુદ્ધથી કોઈને લાભ નથી. માત્ર હાનિ થાય છે. માટે સંયમ રાખવો સારો વિકલ્પ છે. પાકિસ્તાન અને ચીન સામેના યુદ્ધમાં નોંધપાત્ર પરાક્રમ કરતાં ભારત સરકારે તેમને શૌર્ય ચક્ર અને પરમવીર ચક્ર એનાયત કર્યાં છે. કોઈ પણ મોસમમાં વિમાન ચલાવવાનું ગ્રીન પાયલટ તરીકેનું લાયસન્સ ધરાવતા પાયલોટ બાબાએ કહ્યું હતું કે, પાકિસ્તાનને ૧૯૬૫, ૧૯૭૧ અને કારગિલના યુદ્ધમાં બરાબરનો પરચો મળી ચૂક્યો છે. તે જાણે છે કે હવે યુદ્ધ થશે તો પાકિસ્તાન પાયમાલ થઈ જશે. માટે હવે તેનામાં આગળ વધવાની હિંમત નથી.
• બોટાદમાં રેલવે કર્મચારીઓએ કાળો દિવસ મનાવ્યોઃ સાતમું પગાર પંચ લાગુ થવાના વિરોધમાં ભલામણો થઈ હોવાથી બોટાદના રેલવે સ્ટેશનમાં બોટાદ-વઢવાણ સિટી વેસ્ટર્ન રેલવે એમ્પલોઈઝ યુનિયનના પદાધિકારીઓ અને કર્મચારીઓએ ભારે સૂત્રોચ્ચાર કરી કાળો દિવસ મનાવ્યો હતો.
• આઈએમએ - ગુજરાતના પ્રમુખપદે નિયુક્તઃ રાજકોટના તબીબ ડો. અતુલ પંડ્યા ઈન્ડિયન મેડિકલ એસોસિએશન - ગુજરાતના પ્રમુખ તરીકે બિનહરીફ વિજેતા બન્યા છે. ૨૮મી નવેમ્બરે વડોદરા ખાતે યોજાયેલા ભવ્ય સમારંભમાં દેશભરના નામાંકિત તબીબોની ઉપસ્થિતિમાં ડો. અતુલ પંડ્યા એએમએના પ્રમુખપદે આરૂઢ થયા હતા. ૨૬ વર્ષ જેવા લાંબા સમય પછી રાજકોટના તબીબ એએમએમાં ઉચ્ચપદે બિરાજમાન થયા છે એ બાબતનું રાજકોટના તબીબોને ગર્વ છે એવું જણાવતાં રાજકોટ તબીબી જગતના અનેક નામાંકિત તબીબોએ પ્રસંગે હાજરી આપી હતી.