રાજકોટઃ અશોબા વાવાઝોડાએ ઓમાન તરફ ફંટાયુ અને ઓમાન નજીક પહોંચ્યું હતું. શ્રીલંકામાં ‘અશોબા’નો અર્થ અશુભ એવો થાય છે, પરંતુ ગુજરાત માટે અશોબા લાભકારક સાબિત થયું છે. ભીમઅગિયારસથી જેમણે વાવણી શરૂ કરી દીધી છે તેવા ખેડૂતો માટે અનૂકુળ વરસાદ પડી રહ્યો છે. ૧૦ જૂને રાજકોટ, જામનગર, મોરબી, જસદણ, ગોંડલમાં એકથી દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો.
મોરબીના મોડપર, ખેવાડિયા અને દહીંસરા ગામે વીજળી પડી હતી, મોડપર ગામે રામજી મંદિર ચોકમાં આવેલા લીમડાના વૃક્ષ પર વીજળી પડતા ઝાડના બે ટુકડાં થયા હતા. દહીંસરામાં ટ્રેકટર પર વીજળી પડતા બે વ્યક્તિને ઈજા થઈ છે. જ્યારે બોટાદના ઢાકણિયા ગામે એક જ પરિવારની ચાર વ્યક્તિ પર વીજળી પડતા બેનું મૃત્યુ થયુ છે. બાકીનાને ઈજા થઈ છે.
જામનગરના જોડિયામાં એક ઈંચ અને જામનગર શહેરમાં ગાજવીજ સાથે ઝાપટાં પડ્યા હતા. રાજકોટવાસીઓને ગરમીમાં રાહત થઈ છે, જો કે સવા ઈંચ વરસાદમાં પણ ઠેર ઠેર પાણી ભરાતા અને અનેક સ્થળે વૃક્ષો તૂટી પડતા લોકોને આ વરસાદથી જ પરેશાની શરુ થઈ ગઈ છે.