રાજકોટના નવા એરપોર્ટ માટે ૨૦૦૦ હેક્ટર જમીનની માગ

Wednesday 10th February 2016 08:10 EST
 

રાજકોટને આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક અદ્યતન એરપોર્ટ મળે તે માટે આશરે ત્રણ વર્ષની જહેમત બાદ હવે ફરી વિચારણા થઈ રહી છે. આ અંગે આઠમી ફેબ્રુઆરીએ રાજકોટ જિલ્લા કલેક્ટર મનીષા ચંદ્રાએ જણાવ્યું હતું કે, અગાઉ પડધરી અને ખીરસરામાં નવા એરપોર્ટ અંગે ૪૦૦ એકર જમીન આપવા અંગે દરખાસ્ત પછી ગુજરાત એવિએશન ડિપાર્ટમેન્ટ દ્વારા તાજેતરમાં એક નવો લેટર પાઠવવામાં આવ્યો છે અને અધધધ કહેવાય તેટલી ૨૦૦૦ હેક્ટર જમીન જમીનની માગણી નવા એરપોર્ટ માટે થઈ છે.
• સ્વપ્ન જોયા બાદ પુરુષાર્થથી જ સફળતા મળેઃ સુરેન્દ્રનગર-લીંબડી હાઈવે ઉપર જૈન સાધુ-સાધ્વીજીઓને વિહારમાં વિશ્રામ માટે કોઈ સુવિધા ન હોવાથી મુંબઈ સમર્થ લાઈફ સાયન્સ પ્રા. લિ. અને પાવર ટ્રેક સોલાર પ્લાન્ટ દ્વારા વિહારધામ તૈયાર કરાયું છે. તેના લોકાર્પણ પ્રસંગે પ્રવચનમાં પાવર ટ્રેક સોલારના યુવા ઉદ્યોગપતિ કિશોરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, સોલાર પ્રોજેક્ટમાં આગામી ૨૦૨૦ વર્ષ સુધીમાં રૂ. ૨૦૦૦ કરોડનું ટર્નઓવર થશે, અંદાજે ૨૦૦૦ યુવાનોને રોજગારીની તક ઉપલબ્ધ થશે.
• જામનગરમાં મેડિકલ સ્ટોર અને હોસ્પિટલમાં આગઃ સ્પંદન મેડિકલ સ્ટોરમાં શોર્ટ સર્કિટના કારણે ભભૂકી ઉઠેલી આગ બાજુમાં આવેલી પાંચ માળની દુધાગરા ઓર્થોપેડિક હોસ્પિટલ સુધી પ્રસરી ગઈ હતી. મેડિકલ સ્ટોર અને હોસ્પિટલમાં આગ લાગ્યાની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનો ફાયરફાયટર સાથે બનાવસ્થળે પહોંચી ગયા હતા અને સ્પંદન હોસ્પિટલ તથા તેની ઉપર આવેલી વુમન્સ હોસ્પિટલમાં દાખલ થયેલા આઠ દર્દીને સહી સલામત બહાર કાઢ્યા બાદ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.
• જાંબુડા એમ્બ્યુલન્સ સહિતની સુવિધાનું લોકાર્પણઃ દરેક સંસદસભ્યને તેઓના કાર્યકાળ દરમિયાન ત્રણ ગામો દત્તક લેવાની જાહેરાત મુજબ જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમે દત્તક લીધેલા આદર્શ ગામ જાંબુડાં લોકોની સુવિધા માટેની વ્યવસ્થાનો લોકાર્પણ ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સંસદસભ્ય તરીકે ગ્રાન્ટમાંથી રૂ. ૮ લાખના ખર્ચે એમ્બ્યુલન્સ જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી રૂ. ૫ લાખના ખર્ચે ઘનકચરો નિકાલ માટેના વાહન તથા રૂ. ૪ લાખના ખર્ચે ગામના દરેક કુટુંબને બે-બે ડોલ તથા ડસ્ટબીનની અર્પણવિધિ થઈ હતી. આ ઉપરાંત તેમણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કુલ ૧૭ પ્રકારના પેથોલોજી ટેસ્ટ માટેની લેબોરેટરી તાજેતરમાં ખુલ્લી મૂકી હતી. આ પ્રસંગે જાંબુડા ગામના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter