રાજકોટઃ શહેરની ઐતિહાસિક આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં ગાંધીજી વિષયક મ્યુઝિયમ બનાવવાનું આયોજન થઇ રહ્યું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ પોતાના વિદ્યાર્થીકાળ દરમિયાન જ્યાં સૌથી વધુ સમય પસાર કર્યો એવી બ્રિટિશ શાસનના સમયની સૌરાષ્ટ્રની એકમાત્ર અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપતી શાળા અત્યારની મોહનદાસ ગાંધી હાઈસ્કૂલને રૂ. પાંચ કરોડના ખર્ચે ગાંધીજીના જીવનચરિત્ર તરીકે વર્ણવતા મ્યુઝીયમમાં તબદીલ કરવા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને કવાયત હાથ ધરી છે. આ સમગ્ર પ્રક્રિયામાં રાજ્ય સરકાર પાસેથી કરવાની જરૂરી કાર્યવાહી અર્થે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવેલી દરખાસ્તને શાસકોએ મંજૂરી આપી હતી.
કમિશનર વિજય નેહરાના જણાવ્યા મુજબ આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ગાંધીજીના વિદ્યાર્થીકાળના ઘણા સંભારણા સચવાયેલા છે. જો આ હાઈસ્કૂલને ગાંધીજીના જીવનચરિત્ર સાથે સાંકળીને તેમની મોહનદાસથી લઈને મહાત્મા સુધીની સફરને દર્શાવતા વૈશ્વિક કક્ષાના મ્યુઝિયમમાં તબદીલ કરવામાં આવે તો આ સ્થળ અમદાવાદના સાબરમતી આશ્રમની જેમ ગાંધીજીના જીવન સાથે સંકળાયેલુ એક શ્રેષ્ઠ સ્થાન બની શકે તેમ છે.