રાજકોટવાસીઓને આધુનિક બસ સેવા મળી રહે તેમજ વાહનોને લીધે થતાં પ્રદુષણમાં ઘટાડો થાય તેવા હેતુથી મહાપાલિકાએ પ્રાયોગિક ધોરણે શહેરના બે રૂટ પર ખાસ ચાઈનાથી આયાત કરાયેલી બેટરી સંચાલિત બસ દોડાવવાનો નિર્ણય લીધો છે. કોર્પોરેશનની યાદીમાં જણાવ્યા મુજબ, ‘મેડ ઈન ચાઈના’ની આ બસ શહેરમાં આવી ચૂકી છે. તેને ચલાવવા માટે ડિઝલ કે ફ્યુલની જરૂર નહીં પડે તે બેટરીથી ચાલશે. બેટરીને ચાર્જ કરવા માટે આઠ કલાક લાગશે, પરંતુ તેનાથી બસ રોજનું ૨૩૦ કિ.મી. જેટલું અંતર કાપી શકશે. શહેરના બે રૂટ પર તબક્કાવાર આ ઈલેક્ટ્રીક બસ દોડાવવાનું નક્કી થયું અને ૧૮મીથી ૨૩ જાન્યુઆરી સુધી રૂટ નં. ૧૮ આજી ડેમથી જીઆઈડીસી ગેટ નં. ૩ની બસ શરૂ થઈ છે. બીજા તબક્કામાં ૨૪મીથી ૩૦ જાન્યુઆરી સુધી રૂટ નં. ૪૨ ગ્રીનલેન્ડ ચોકડીથી નાના મૌવા સુધી આ બસ દોડાવામાં આવશે.
અધિકારી ચિરાગ પંડયાના જણાવ્યાનુસાર કંપની દ્વારા શહેરમાં આ બસ ચલાવવા માટે મનપા પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવ્યો નથી. જોકે, મુસાફરોએ નિયત ટિકિટ ભાડું જ ચૂકવવાનું રહેશે.