રાજકોટઃ ‘રામ રાખે તેને કોણ ચાખે’ એ કહેવત સાર્થક થઇ છે. આ સૂત્રને યથાર્થ ઠેરવતી ઘટના વાંકાનેર તાલુકાના સિંધાવદર અને કણકોટ વચ્ચે ૮ જૂને બની હતી. ત્રણ વર્ષનાં માસૂમ પુત્ર સાથે આપઘાતનાં ઈરાદાથી ટ્રેન હેઠળ ઝંપલાવનાર પિતાનું તો ઘટના સ્થળે જ મોત થયું હતું. પરંતુ ટ્રેનની ઠોકરે બેભાન થયા બાદ ટ્રેક પર જ ત્રણ કલાક સુધી પડી રહેલા બાળક ઉપરથી બે ધસમસતી ટ્રેન પસાર થવા છતાં ત્રણ તેનો અદ્ભૂત બચાવ થયો હતો. જેને સામાન્ય ઈજા સાથે રાજકોટ સારવાર માટે ખસેડાયો છે.
સિંધાવદર-કણકોટ વચ્ચેની રેલવે ટ્રેક પર એક યુવાનનો કંપારી છુટી જાય તેવી હાલતમાં મૃતદેહ અને સામાન્ય ઈજાથી કણસતો માસૂમ બાળક પડ્યો હોવાની નજીકનાં સ્ટેશન માસ્તરને માહિતી મળતાં વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જ્યાં ટ્રેક પર ત્રણ કલાક બેભાન હાલતમાં પડી રહેલા બાળક પરથી સાંજે છ વાગ્યે ઓખાથી મુંબઈ જતી સૌરાષ્ટ્ર મેલ તેમ જ સાત વાગ્યે જમ્મુ તાવી-જામનગર વીકલી સુપર ફાસ્ટ ટ્રેન પસાર થઈ હતી. આમ છતાં બાળકનો જીવ સલામત રહેતાં પોલીસ સહિત ઉપસ્થિતોમાં આનંદ સાથે આશ્ચર્યની લાગણી ફેલાઈ હતી.