રાજકોટઃ શહેરના રેસકોર્ષ મેદાનમાં સિધ્ધિવિનાયકધામ નામે ગણેશજીના પંડાલ દ્વારા ૨૪ સપ્ટેમ્બરે રાત્રે લાડુ ખાવાની સ્પર્ધાનું આયોજન થયું હતું જેમાં ૬૭ વર્ષીય વૃદ્ધ ૨૧.૫ લાડુ ખાઈને વિજેતા બન્યાં હતાં.
આ ગણેશ પંડાલ દ્વારા દરરોજ વિવિધ કાર્યક્મ યોજાય છે. જે અંતર્ગત ઓપન સૌરાષ્ટ્ર લાડુ સ્પર્ધામાં વિવિધ જિલ્લામાંથી ૬૭ ભાઈઓ અને ૧૩ મહિલાઓએ ભાગ લીધો હતો.
જેમાં પુરુષ વિભાગમાં ૬૭ વર્ષીય ગોવિંદભાઈ લુણાગરિયા ૨૧.૫ લાડુ ખાઈને પ્રથમ વિજેતા બન્યાં હતા જ્યારે ૧૮.૫ લાડુ ખાઈને બીજા ક્રમે રમેશ રૈયાણી અને ત્રીજા ક્રમે રહેનાર અવચરભાઈ છાત્રોલાએ ૧૭ લાડુ ખાતા હતા. જ્યારે મહિલા વિભાગમાં સાવિત્રીબહેન યાદવ૧૧ લાડુ ખાઈને પ્રથમ વિજેતા બન્યા હતાં. આ સ્પર્ધામાં જોડાયેલા ૮૦ સ્પર્ધકોએ કુલ ૭૦૦ જેટલા લાડુ આરોગ્યા હતા.
ત્રણ મિનિટમાં બે હજાર પાણીપૂરી સાફ
જ્યારે અહીં મહિલાઓ માટે પાણીપૂરી ખાવાની સ્પર્ધા પણ યોજાઈ હતી. જેમાં ૪૧ પાણીપૂરી આરોગીને પલકબેન પંડ્યા પ્રથમ, ૪૦ પાણીપૂરી આરોગીને પૂજાબેન કુંડલીયા અને દિશાબેન આટકોટીયા દ્વિતીય તેમ જ ૩૮ પાણીપુરી ખાઈને નિધીબહેન બારસિયા ત્રીજા ક્રમે રહ્યા હતા. મહત્ત્વની વાત એ છે કે, આ સ્પર્ધામાં ૯૩ બહેનોએ ભાગ લીધો હતો જેમાં ત્રણ મિનિટમાં બે હજાર પાણીપુરી ખવાઈ ગઈ હતી.