રાજકોટઃ પાટીદાર અનામત આંદોલનથી લેઉવા-કડવા પાટીદારો વચ્ચેની ખાઇ પૂરાઇ રહી છે. જોકે, અગાઉ એક મગના બે ફાડિયા સમાન લેઉવા-કડવા પટેલ વચ્ચેની ભેદરેખા ભૂસવા માટે શહેરની ત્રણ સોસાયટીમાં વસતા પટેલ સમાજે અનોખો પ્રયાસ કરી લેઉવા-કડવા પટેલના કુળદેવી ઊમિયા માતાજી અને ખોડિયાર માતાજીની એક જ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરીને ધાર્મિક દૃષ્ટિએ પણ એક થયા છે.
શહેરના ૧૫૦ ફૂટના રિંગરોડ પર નિર્માણ પામેલા આ ભવ્ય મંદિરની શનિવારે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જેમાં ઊમિયાધામ, સિદસરના ડો. ડાહ્યાભાઈ પટેલ તથા ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કે. કે. સોસાયટીના રહિશ સુરેશ રામાણીના જણાવ્યા મુજબ તેઓ એક વર્ષ પહેલાં જ આ વિસ્તારમાં રહેવા આવ્યા ત્યારે લેઉવા-કડવા સમાજના યુવાનો, વડીલો રાતે સાથે બેસતા હતા. એક દિવસ સોસાયટીના રહેવાસીઓએ ગાયના ઘાસચારા માટે ફંડ એકત્ર કરવા સપ્તાહ બેસાડી હતી, જેમાં રૂ. ૯.૭૧ લાખનો ફાળો એકત્ર થયો હતો. સપ્તાહ દરમિયાન ફરી એક વિચાર આવ્યો કે, લેઉવા-કડવા પટેલ બન્ને એક જ મંદિરમાં આવે એવું આયોજન કરીએ.
આ ઐતિહાસિક ઘટના
લેઉવા-કડવા પટેલ એક જ છે તેમ જણાવતાં ખોડલધામના પ્રણેતા નરેશ પટેલે કહ્યું હતું કે, બંને સમાજના કુળદેવી એક જ મંદિરમાં સાથે બિરાજમાન હોય એથી વધુ શું જોઈએ. સંગઠનની શરૂઆત હંમેશા ધર્મના નેજા હેઠળ જ થાય છે. બંને સમાજ એક થઈને કામ કરશે, પ્રગતિ કરશે.